બોલરોને `હંફાવશે’ ICC !
૬૦ સેક્નડની અંદર જ બીજી ઓવર શરૂ કરવી પડશે નહીંતર પાંચ રનની પેનલ્ટી
ટી-૨૦ વર્લ્ડકપથી અમલ શરૂ, ત્યારબાદ ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦માં પણ લાગુ પડશે
આ વર્ષે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં રમાનારા ટી-૨૦ વર્લ્ડકપને લઈને આઈસીસીએ એક મોટો નિર્ણય લીધો છે. હાલ ટ્રાયલરૂપે સ્ટૉપ ક્લોપનો નિયમ લાગુ છે જેના હેઠળ ફિલ્ડિંગ કરનારી ટીમને એક ઓવર પૂર્ણ થયા બાદ નિર્ધારિત સમયમાં બીજી ઓવર શરૂ કરવાની હોય છે. હવે આ નિયમને આઈસીસી કાયમી ધોરણે લાગુ કરવા જઈ રહ્યું છે. ક્રિકબઝના અહેવાલ પ્રમાણે આ નિયમ ટી-૨૦ વર્લ્ડકપથી અમલમાં આવી જશે અને ત્યારબાદ વન-ડે, ટી-૨૦ અને ટેસ્ટમાં પણ લાગુ પડશે.
આઈસીસીએ પાછલા વર્ષે ડિસેમ્બરમાં આ નિયમને પ્રયોગ સ્વરૂપે લાગુ કર્યો હતો. હવે આ નિયમને ક્રિકેટના સ્થાયી નિયમોની યાદીમાં સામેલ કરવામાં આવશે. આ નિયમનો હેતુ ઓવરો વચ્ચે થનારા સમયના વેડફાટને અટકાવાનો છે જેથી સમયસર મેચ પૂર્ણ થઈ શકે.
આ નિયમ પ્રમાણે ફિલ્ડિંગ ટીમને ઓવર ઓવર પૂર્ણ થયા બાદ આગલી ઓવર ૬૦ સેક્નડ મતલબ કે એક મિનિટની અંદર પૂર્ણ કરવાની હોય છે. ઓવર પૂર્ણ થતાંની સાથે જ થર્ડ અમ્પાયર સ્ટૉપ વૉચ ચાલું કરી દે છે અને પછી ૬૦ સેક્નડની રાહ જુએ છે. જો ફિલ્ડિંગ ટીમ ૬૦ સેક્નડની અંદર બીજી ઓવર શરૂ ન કરે તો તેને પેનલ્ટી ફટકારાય છે. આ નિયમને લાગુ પાડવાની જવાબદારી મેદાન પર રહેલા અમ્પાયરોની રહેશે. ભૂલ થયા પર અમ્પાયર પહેલાં બે વૉર્નિંગ આપશે અને ત્યારબાદ પણ પાલન નહીં થાય તો ટીમને પાંચ રનની પેનલ્ટી ફટકારાશે. ટાઈમર ક્યારંથી શરૂ કરવાનું છે તેનો નિર્ણય અમ્પાયરો પર રહેશે જેમાં તેણે એ પણ જોવાનું રહેશે કે ટાઈમર ચાલું કરતી વખતે ક્યાંક ડીઆરએસ અથવા તો અન્ય કોઈ કારણોથી સમય બરબાદ થઈ રહ્યો નથી ને ?
