૧ વર્ષમાં ૨ IPL ?!
પહેલી ટૂર્નામેન્ટ ટી-૨૦માં અને બીજી ટી-૧૦ ફોર્મેટમાં રમાડવા કવાયત
લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી વર્ષમાં બે વખત ટૂર્ના. રમાડવા બીસીસીઆઈની પણ તૈયારી
ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એક વર્ષમાં બે વખત આઈપીએલ રમાડવાનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષે ૧૭મી સીઝન ૨૨ માર્ચથી રમાવાની છે જેનો પ્રથમ મુકાબલો ચેન્નાઈ-બેંગ્લોર વચ્ચે થશે. અગાઉ ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી પણ એક વર્ષમાં બે વખત આઈપીએલ રમાડવાની વાતને સમર્થન આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે લીગની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી એક વર્ષમાં બે વખત આઈપીએલ રમાડવાનો નિર્ણય ઝડપથી લેવાઈ જવો જોઈએ.
જો કે બીસીસીઆઈ માટે સૌથી મોટી સમસ્યા એ રહેશે કે બબ્બે આઈપીએલ રમાડવા માટે વિન્ડો જરૂરી છે. એક વર્ષમાં બે આઈપીએલ ત્યારે જ સંભવ બને જે વર્ષે આઈસીસીની કોઈ ટૂર્નામેન્ટ ન હોય અથવા તો પછી વધુ દ્વિપક્ષીય શ્રેણીનું આયોજન થઈ રહ્યું ન હોય.
આઈપીએલ ચેરમેન અરુણ ધૂમલે આ પડકારનો સ્વીકાર કર્યો છે. જો કે તેમણે વિકલ્પ શોધવાની વાત પણ કહી છે. તેમણે કહ્યું કે ૮૪ મેચ માટે અને ત્યારબાદ ૯૪ મેચ માટે એક વિન્ડો શોધવાની જરૂર છે. જો કે આ કામ ઘણું જ કપરું છે એટલા માટે બીસીસીઆઈ બીજા આઈપીએલને ટી-૨૦ની જગ્યાએ ટી-૧૦ ફોર્મેટમાં આયોજિત કરાવી શકે છે જેથી ઓછા સમયમાં વધુ મેચ રમાડી શકાય.
જો કે અરુણ ધૂમલે ટી-૧૦ ફોર્મેટ અંગે કોઈ પ્રકારની ચર્ચા થઈ હોવાનું જણાવ્યું નથી પરંતુ એ જરૂર કહ્યું છે કે ભવિષ્યમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.