કરોડો પાણીમાં ? ૩ મહિનામાં ૫૪૬૫૦ સ્થળે ગટર ઉભરાઈ
પેટા: દર વખતની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ડે્રનેજ પાછળ લાખો-કરોડોની દરખાસ્તને મંજૂરી અપાઈ છે છતાં ફરિયાદોનો ઢગલો યથાવત
મહાપાલિકા દ્વારા લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ ખર્ચ એળે જઈ રહ્યો હોય તેવી રીતે લોકોની ફરિયાદો ઠેરની ઠેર રહે છે. રાજકોટમાં સૌથી વધુ ફરિયાદો જો કોઈ સમસ્યાની હોય તો તે ગટર ભરાઈ જવા તેમજ ઓવરફ્લો થવાની છે. આ ફરિયાદોના ઉકેલ માટે મનપાના શાસકો દર વખતની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ડે્રનેજ લાઈન નાખવા માટે કરોડો રૂપિયાની દરખાસ્તોને મંજૂરી આપી રહ્યા છે પરંતુ તેનો ફાયદો નહીં મળી રહ્યાનું ફરિયાદોના આંકડા પરથી લાગી રહ્યું છે. રાજકોટમાં છેલ્લા ત્રણ મહિનાની અંદર ૫૪૬૫૦ સ્થળે ગટર ઉભરાઈ હોવાનું તેમજ ચોકઅપ થઈ ગઈ હોવાની જાણકારી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
મહાપાલિકાના કોલ સેન્ટરમાં ૨૮-૧૧-૨૦૨૩થી ૨૭-૨-૨૦૨૫ સુધીમાં ૨૯ શાખાઓની કુલ ૯૪૮૮૧ ફરિયાદો નોંધાઈ છે જેમાંથી ૯૧૩૧૮ ફરિયાદોનું નિરાકરણ લાવી દેવાયું હોવાનો દાવો તંત્રએ કર્યો છે જ્યારે ૩૫૬૩ ફરિયાદો હજુ સુધી ઉકેલાઈ નથી. ફરિયાદોનું નિરાકરણ થાય તે માટે એક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે જે અને જો સમયસર નિરાકરણ ન આવે તો આ ફરિયાદ આપોઆપ જે તે શાખાના વડાને મળી જાય છે અને ત્યાંથી પણ ઉકેલ ન આવે તો શાખાના વડા પાસે પહોંચી રહી છે.
આ રીતે ત્રણ મહિનામાં ડે્રનેજ ચોકઅપ-ઓવરફ્લો થવાની ૫૪૬૫૦ ફરિયાદો મળી છે જેમાંથી ૫૩૮૫૭નો ઉકેલ આવ્યો છે અને ૭૯૩ હજુ ઉકેલાવાની બાકી છે. આ પછી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ મતલબ કે કચરાને લગતી ૧૦૭૮૦ ફરિયાદો મળી છે જેમાંથી ૧૦૩૧૭નાો ઉકેલ લવાયો છે અને ૪૬૩ હજુ પણ બાકી છે. જ્યારે ત્રીજા ક્રમે રોશની શાખાને લગત ફરિયાદો આવે છે. આ સમસ્યાને લગતી ૯૨૫૫ ફરિયાદોમાંથી ૯૦૫૯નો ઉકેલ આવ્યો છે અને ૧૯૬ ફરિયાદોનો ઉકેલ હજુ બાકી જ છે.