હરજો-ફરજો, મોજ કરજો: આખરે અટલ સરોવરનું લોકાર્પણ
૧ મેથી લોકો ફરવા જઈ શકશે: ગાર્ડન, ફેરિસવ્હીલ, બોટિંગ, એમ્ફીથિયેટર, પાર્ટી પ્લોટ સહિતની અનેક સુવિધાઓ: મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું
મહાપાલિકા દ્વારા લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલાં ધડાધડ લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ હાજરીમાં ૭૦૫.૪૨ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં અટલ સરોવરનો પણ સમાવેશ થાય છે. જો કે લોકોએ અટલ સરોવર સુધી ફરવા જવા માટે ૧ મે સુધીની રાહ જોવી પડશે કેમ કે કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે.
મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં અટલ સરોવર ઉપરાંત અમૃત યોજના હેઠળ ૧૦૮.૪૭ કરોડના પાંચ પ્રોજેક્ટ, મનપા-રૂડાના ૯૫.૧૪ કરોડના બલ્ક વોટર સપ્લાય પ્રોજેક્ટના લોકાર્પણ, સાંઢિયા પુલનું ખાતમુહૂર્ત, આવાસ યોજના ડ્રો સહિતના ૩૦ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
ખાસ કરીને અટલ સરોવરમાં મળનારી સુવિધાની વાત કરવામાં આવે તો અહીં ગાર્ડન, સ્પેશ્યલ ચિલ્ડ્રન ગાર્ડન, ફેરિસવ્હીલ, બોટિંગ, ટોયટે્રઈન, વોક-વે, સાઈકલ ટે્રક, પાર્કિંગ એરિયા, બે એમ્ફીથિયેટર, એન્ટ્રન્સ પ્લાઝા, લેન્ડ સ્કેપિંગ, પાર્ટી પ્લોટ, ફૂડ કોર્ટ, ગ્રામ હાટ, ફ્લેગમાસ્ટ સહિતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં ૪૨ દુકાનો પણ બનશે.