મહાપાલિકાની ગેરેન્ટી ઉનાળામાં પાણીકાપ નહીં આવે
જનરલ બોર્ડમાં વિપક્ષે પૂછેલા પ્રશ્નનો `પાણીદાર’ જવાબ આપતાં મ્યુનિ. કમિશનર
આજી-૧માં મે સુધી, ન્યારી-૧માં ૩૦ જૂન અને ભાદરમાં ૩૧ જુલાઇ સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ
ઉનાળો બારણે ટકોરા મારી રહ્યો છે અને હવે ગમે ત્યારે ગરમીની શરૂઆત થવાની છે એટલે લોકોના મનમાં સૌથી પહેલો સવાલ પાણીને લઈને ઉદ્ભવવો સ્વાભાવિક છે. દર વખતે ઉનાળામાં કોઈને કોઈ કારણોસર પાણીકાપનો કોરડો વીંઝાતો હોવાથી આ વર્ષે પણ એવું થશે કે કેમ ? તેની ચિંતા જોવા મળતી હોય છે. આ બધાની વચ્ચે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે મળેલા જનરલ બોર્ડમાં પાણીની સ્થિતિ અંગે પૂછેલા પ્રશ્નનો મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા `પાણીદાર’ જવાબ તો આપવામાં આવ્યો જ સાથે સાથે તેમણે મહાપાલિકા તરફથી ગેરેંટી આપતાં કહ્યું કે ઉનાળામાં પાણીની ઉપલબ્ધીના વાંકે એક પણ દિવસ પાણીકાપ ઝીકવામાં આવશે નહીં.
વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી દ્વારા રાજકોટમાં પાણીની સ્થિતિ અંગે પૂછેલા પ્રશ્નનો જનરલ બોર્ડમાં જવાબ આપતાં મ્યુનિ.કમિશનરે કહ્યું કે રાજકોટમાં ૭ ફિલ્ટર પ્લાન્ટ અને ૨૫ પમ્પીંગ સ્ટેશન અત્યારે કાર્યરત છે. ખાસ કરીને ડેમની સ્થિતિ અંગે તેમણે કહ્યું કે ૨૯ ફૂટના આજી-૧ ડેમમાં અત્યારે ૨૫.૫ ફૂટ પાણી ઉપલબ્ધ છે. અહીંથી દરરોજ ૧૩૫ એમએલડી જથ્થો ઉપાડવામાં આવી રહ્યો છે. આ ગણતરીએ જોઈએ તો મે સુધી વિતરણ કરી શકાય તેટલું પાણી હાલ ઉપલબ્ધ છે અને સાથે સાથે સરકાર પાસેથી સૌની યોજના મારફતે પણ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે.
આ જ રીતે ૨૫ ફૂટના ન્યારી-૧ ડેમમાં અત્યારે ૧૯.૧૯ ફૂટ પાણી પડેલું છે. અહીંથી દરરોજ ૮૦ એમએલડી પાણી ઉપાડીને વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ રીતે જોવા જઈએ તો ન્યારી-૧ ડેમમાં ૩૦ જૂન સુધી ચાલે તેટલું પાણી પડેલું છે. ભાદર-૧ ડેમમાં ૩૧ જૂલાઈ સુધી ચાલે તેટલો જળજથ્થો ઉપલબ્ધ હોવાનું કમિશનરે કહ્યું હતું.
આ સાથે જ સૌની યોજના મારફતે દરરોજ ૧૩૫ એમએલડી પાણી મળી રહ્યું છે જેમાંથી ન્યારા ખાતે ૭૫ એમએલડી અને બેડી ખાતે ૬૦ એમએલડી પાણી મળી રહ્યું છે. આ ઉપરાંત સપ્લાય ચેઈન પણ સુદૃઢ કરવામાં આવી હોવાથી પાણી ઉપલબ્ધ ન હોવાથી ક્યારેય પાણીકાપ નહીં અપાય પરંતુ જો ટેક્નીકલ કારણોસર પાણીકાપ જાહેર કરવો પડે તો તેની લોકોને અગાઉથી જાણ કરવામાં આવશે.
એક જ પ્રશ્નમાં આખું બોર્ડ પૂરું છેલ્લે છેલ્લે વિપક્ષનો `વારો’ નીકળ્યો!
ઘણા લાંબા સમય બાદ જનરલ બોર્ડમાં વિપક્ષનો પ્રશ્ન પ્રથમ ક્રમે આવ્યો હોવાથી શાસકો સાથે તડાફડી બોલે તેવું લાગી રહ્યું હતું પરંતુ એવું કશું જ બન્યું ન્હોતું અને ૬૦ મિનિટની બોર્ડની કાર્યવાહી પાણીના પ્રશ્નમાં જ પૂર્ણ કરી લેવાઈ હતી. જો કે બોર્ડની કાર્યવાહી પૂર્ણ થવા આવી ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, દંડક મનિષ રાડિયા, પૂર્વ મેયર ડૉ.પ્રદીપ ડવ, કોર્પોરેટર વિનુ ધવા સહિતનાએ વિપક્ષનો વારો' કાઢવાનું બાકી રાખ્યું ન્હોતું ! શાસકોએ કોંગ્રેસને
તમે પાણી પી ગયા છો, ખાઈ ગયા છો, આખેઆખા ટે્રક્ટર હજમ કરી ગયા છો’ તેવા આકરાં વાક્બાણોથી કોંગ્રેસને ઘેરી હતી.
સાગઠિયા-ભારાઇને `નો-એન્ટ્રી’ મામલો બિચક્યો: પોલીસે ધક્કે ચડાવ્યા
તાજેતરમાં જ હાઈકોર્ટ મારફતે પોતાનું કોર્પોરેટરપદ બહાલ કરાવનાર વોર્ડ નં.૧૫ના વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઈને જનરલ બોર્ડની કાર્યવાહીમાં પ્રવેશ આપવામાં આવ્યો ન્હોતો. કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ બન્ને કોર્પોરેટરોએ સેક્રેટરી એચ.પી.રૂપારેલિઆની ચેમ્બરમાં ડેરો નાખ્યો હતો અને મીડિયાની હાજરીમાં ગાંધીનગર ફોન લગાવી પોતાને એન્ટ્રી જાણીજોઈને નથી અપાઈ રહી તેવું પૂરવાર કર્યું હતું. જો કે તેમને એન્ટ્રી ન અપાતાં વિરોધ શરૂ કર્યો હતો જેના કારણે ત્યાં બંદોબસ્તમાં હાજર પોલીસે સાગઠિયા-ભારાઈને ધક્કે ચડાવી નીચે સુધી લઈ ગયા હતા.
એજન્ડાની આઠેય દરખાસ્તો મંજૂર
જનરલ બોર્ડના એજન્ડામાં ૮ દરખાસ્તો સામેલ કરવામાં આવી હતી જેમાં સફાઈ કામદારની મંજૂર થયેલ સેટઅપમાંથી ખાલી રહેલી જગ્યાઓ પર ભરતી કરવા સહિતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નામકરણ સહિતની આઠેય દરખાસ્તો બહુમતિથી મંજૂર કરવામાં આવી હતી.