રણજી ટ્રોફીમાં ૫૩ વર્ષ બાદ પહેલી વાર એક રાજ્યની બે ટીમ વચ્ચે ફાઈનલ ટક્કર
મુંબઈ-વિદર્ભ વચ્ચે ૧૦ માર્ચથી મુકાબલો
રણજી ટ્રોફીનો ફાઈનલ આ વખતે ઐતિહાસિક બની રહેશે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આવો ફાઈનલ મુકાબલો માત્ર બીજી વખત રમાશે જેમાં એક જ રાજ્યની બે ટીમ આમને-સામને ટકરાશે. આ ટીમ મુંબઈ અને વિદર્ભ છે. બન્ને વચ્ચે ૧૦ માર્ચથી ફાઈનલ રમાશે. મુંબઈની ટીમ ૪૨મો તો વિદર્ભની ટીમ ત્રીજી વખત ટ્રોફી જીતવાનો પ્રયત્ન કરશે. વિદર્ભની ટીમે મધ્યપ્રદેશને હરાવીને રણજી ટ્રોફીના ફાઈનલમાં જગ્યા બનાવી છે. તેણે સેમિફાઈનલ મુકાબલો ૬૨ રને જીત્યો છે. વિદર્ભે મધ્યપ્રદેશને જીત માટે ૩૨૧ રનનો લક્ષ્યાંક આપ્યો હતો પરંતુ મધ્યપ્રદેશની ટીમ ૨૫૮ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈએ તમીલનાડુને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે. અજિંક્ય રહાણેની ટીમ મુંબઈએ સેમિફાઈનલ મુકાબલો ઈનિંગ અને ૭૦ રનથી હરાવી હતી. મુંબઈની ટીમ ૪૧ વખત ખીતાબ જીતી ચૂકી છે. તે આ ટૂર્નામેન્ટના ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. ફાઈનલમાં પહોંચનારી વિદર્ભ-મુંબઈની ટીમ મહારાષ્ટ્ર રાજ્યમાંથી જ આવે છે. અગાઉ ૧૯૭૧માં મહારાષ્ટ્ર-મુંબઈની ટીમ વચ્ચે ફાઈનલ રમાયો હતો ત્યારે મુંબઈ (બોમ્બે)એ જીત મેળવી હતી.