વડાપ્રધાને કયા મિશન માટે નામ જાહેર કર્યા ? જુઓ
મંગળવારે દેશના ગૌરવસમા ગગનયાન મિશન માટે ચાર અવકાશયાત્રીના નામની જાહેરાત કરાઈ હતી. આ ચારેય ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાયલટ છે, જેમાં ગ્રૂપ કેપ્ટન પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજિત કૃષ્ણન અને વિંગ કમાન્ડર શુભાંગુ શુક્લાનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવકાશયાત્રી વિંગ્સ આપીને તેમના નામ જાહેર કર્યા હતા. આ ચારેય પાયલટ તમામ પ્રકારના ફાઈટર જેટ ઉડાવવાના નિષ્ણાત છે. હાલ બેંગલુરુમાં અવકાશયાત્રી ટ્રેનિંગ ફેસિલિટીમાં તેમની તાલીમ ચાલી રહી છે.
આ ચારેય દેશના તમામ પ્રકારના ફાઈટર જેટ્સ ઉડાવી ચૂક્યા છે. તમામ પ્રકારના ફાઈટર જેટ્સની ખામી અને ખાસિયત તેઓ જાણે છે. એટલા માટે આ ચારેયને ગગનયાન અવકાશયાત્રી ટ્રેનિંગ માટે પસંદ કરાયા છે. તેમની રશિયામાં ટ્રેનિંગ થઈ ચૂકી છે. હાલ બેંગલુરુમાં અવકાશયાત્રી ટ્રેનિંગ ફેસિલિટીમાં ટ્રેનિંગ ચાલી રહી છે.
શું કહ્યું વડાપ્રધાને
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં સ્થિત ઈસરોના સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની મુલાકાત લીધી છે. અહીં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે આપણે સૌ એક ઐતિહાસિક સફરના સાક્ષી બની રહ્યા છીએ. થોડા સમય પહેલા દેશને પહેલીવાર પોતાના ચાર ગગનયાન યાત્રીઓથી પરિચય થયો. આ માત્ર ચાર નામ અને ચાર લોકો નથી, આ 140 કરોડ આકાંક્ષાઓને સ્પેસમાં લઈ જનારી ચાર શક્તિઓ છે. 40 વર્ષ બાદ કોઈ ભારતીય સ્પેસમાં જવાના છે. પરંતુ આ વખતે ટાઈમ પણ આપણો છે, કાઉન્ટડાઉન પણ આપણું છે અને રોકેટ પણ આપણા છે.
ઈસરોના હ્યૂમન સ્પેસ ફ્લાઈટ સેન્ટર (HSFC)માં અનેક પ્રકારના સિમુલેટર્સ લગાવાઈ રહ્યા છે. જેના પર ચારેય પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ સતત ઉડાન પણ કરી રહ્યા છે, અને ફિટનેસ પર પણ ધ્યાન આપી રહ્યા છે. આ ચારેય ગગનયાન મિશન પર ઉડાન નહીં ભરે. તેમાંથી બે અથવા ત્રણ ટેસ્ટ પાયલટ ગગનયાન મિશન માટે પસંદ કરાશે.