ભાવનગર અને ભરૂચમાં આપ લડશે, બાકીની ૨૪ બેઠક ઉપર કોંગ્રેસ
ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં લાગુ
ભાજપને હરાવીને દેશનું લોકતંત્ર બચાવીએ, એ મુદ્દા પર ઇન્ડિયા ગઠબંધન આગળ વધ્યું છે: ઈસુદાન ગઢવી
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ ગયું છે અને રાજ્યની ૨૬ બેઠકો પૈકી બે બેઠક ભાવનગર અને ભરૂચ બેઠક ઉપર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા રાખશે અને બાકીની ૨૪ બેઠકો ઉપર કોંગ્રેસ ઉમેદવારો ઉભા રાખશે. આજે રાષ્ટ્રીય સ્તરે આ સમજુતી થયા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પત્રકારોને કહ્યું હતું કે, ભાજપને હરાવીને દેશનું લોકતંત્ર બચાવી શકે એ મુદ્દા પર ઇન્ડિયા ગઠબંધન આગળ વધ્યું છે. જેના કારણે ભાજપના પેટમાં તેલ રેડાયું છે પરંતુ આ વખતે આ ગઠબંધન કમાલ કરશે.
તેમણે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આઠ સીટ માંગી છે. અમે જામનગર, દાહોદ બારડોલી, અન્ય આદિવાસી વિસ્તાર છોટાઉદેપુર અને પંચમહાલમાં મજબૂત છીએ. અમે જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ દાવા કરી શકતા હતા. પરંતુ અમે તમામે નક્કી કર્યું હતું કે શીર્ષ નેતૃત્વ દ્વારા દેશ બચાવવા માટે જે પણ નિણર્ય લેવામાં આવે તેને માન્ય રાખવામાં આવશે. ભરૂચ સીટ પર ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને ભાવનગર સીટ પર ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા ચૂંટણી લડશે. બાકી તમામ 24 સીટો પર કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડશે.
હાલ આ ગઠબંધન લોકસભા ચૂંટણી માટે છે અને આવનારી ચાર વિધાનસભાની પેટાચૂંટણીના સમાચાર થોડા દિવસમાં આવી જશે. અમે કોંગ્રેસ પાર્ટીને તમામ 24 સીટો ઉપર મદદ કરવા માટે તૈયાર છીએ અને અમે કોંગ્રેસ પાસે પણ આશા રાખીએ છીએ કે ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર જીતે એ માટે આમ આદમી પાર્ટીને મદદ કરે અને ગઠબંધનની ફરજ નિભાવે. આપણે સાથે મળીને એવા પ્રયાસ કરવાના છે કે ભાજપ આ વખતે 26માંથી 26 સીટો ન જીતી શકે. હાલ ચૈતરભાઈ વસાવા અને ઉમેશભાઈ મકવાણાએ જોરશોરથી પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. અમને પૂરી આશા છે કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો ખુબ જ સારી લીડ સાથે ચૂંટણી જીતશે.