સ્કુલે જતું બાળક જિદ્દી બની ગયું છે ? આ ટિપ્સ ઉપયોગી નીવડશે
માર મારવા કે ઠપકો આપ્યા વગર પણ તમે તેને અનુશાસન શિખવી શકો છો.
બાળક ક્યારેક ક્યારેક એવી હઠ કરવા લાગે છે કે, માતા-પિતા એ તેને પુરી કરવી મુશ્કેલ બની જાય છે. કેટલાક માતા-પિતા બાળક જ્યારે કોઈ ખોટી જિદ કરે ત્યારે તેને ઠપકો આપે છે અથવા તેને ક્યારેક મારવા પણ લાગે છે. પરંતુ, આ બાબતે એક સંશોધન સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, બાળકોને ઠપકો આપવાથી કે મારવાથી તેમના વર્તનમાં સુધારો થતો નથી, બલ્કે તેઓ વધુ જિદ્દી અને ગુસ્સે થઈ જાય છે.
સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, બાળકની જો જિદ પુરી કરવામાં ન આવે અને તેને ઠપકો કે મારવામાં આવે તો, તે નાની ઉંમરમાં જ ડિપ્રેશનમાં જઈ શકે છે અથવા તેનામાં નેગેટિવિટી આવવા લાગે છે અને ક્યારેક ખોટાં પગલા પણ ભરી શકે છે.
હવે તમે વિચારતા હશો કે, બાળકને જો ઠપકો આપવામાં ન આવે અને મારવામાં ન આવે તો, તે વારંવાર આવી જિદ કરતુ રહેશે પણ આ વિચારસરણી ખોટી છે, તેને માર મારવા કે ઠપકો આપ્યા વગર પણ તમે તને અનુશાસન શિખવી શકો છો. દરેક માતા-પિતાની ઈચ્છા હોય છેકે, તેમનું બાળક આજ્ઞાકારી અને સંસ્કારી હોય તો આ માટે તમે આ ચાર ટિપ્સ અપનાવી તમારા બાળકને સક્ષમ અને તેની આદતોમાં સુધારો કરી શકો છો.
માતા-પિતાએ બાળકને પુરતો સમય અપવો
સંશોધન બાદ યુનિસેફને જાણવા મળ્યું છે કે, હાલના સમયમાં ભાગદોડ ભરી જિંદગી અને મોબાઈલના વ્યસનમાં માતા-પિતા તેમના બાળકો માટે વધારે સમય ફાળવતા નથી, તેમની નાની-નાની સમસ્યાઓ સાંભળતા નથી. અંતે પરિણામ એ આવે છે કે, બાળકો તેમના માતા-પિતા અથવા અન્ય લોકો સાથે ખરાબ વર્તન કરવા લાગે છે અને જિદ્દી બની જાય છે. તેથી, ટીવી અને મોબાઇલ બંધ કરો અને બાળકો માટે વ્યક્તિગત સમય કાઢો, તેની સાથે રમો, રમતા-રમતા તેના ખોટા વર્તનને ઉદાહરણ આપી સમજાવો.
બાળકની સારી ટેવોની માતા-પિતાએ પ્રશંસા કરવી જોઈએ
માતા-પિતા બાળકને હંમેશા ટોકતા રહે છે, પણ તેની સારી બબતોને નજર અંદાજ કરે છે. જો તમે બાળકોની ખરાબ આદતો સુધારવા માંગતા હોવ તો તેની સારી આદતોને યાદ કરો અને તેના વખાણ કરો. જો તમે લોકોની સામે પણ તેના વખાણ કરશો તો તેને ગમશે. આ રીતે તેને સારું કામ કરવાની પ્રેરણા મળશે અને તે તેની ખરાબ ટેવો છોડવા લાગશે, અને હંમેશા સારૂ કરવાનો પ્રયત્ન કરશે.
માતા-પિતા તેમના અનુભવ શેર કરો અને માર્ગદર્શન આપો
માતા-પિતા ક્યારેક બાળકને સીધો ઠપકો આપવા લાગે છે, પરંતુ ક્યારેક-ક્યારેક તેની સાથે શાંતીથી બેસી તેમના માટે શું સારું છે અને શું ખરાબ તેની ચર્ચા કરો અને તમારા અનુભવ પણ શેર કરો. આ રીતે તેઓ સાચી દિશા પસંદ કરી શકશે અને તેમને ખબર પડશે કે, આ વસ્તુ સારી છે, કે ખરાબ અને હિંમત સાથે તે દિશામાં આગળ વધી શકશે. આ માટે તમે પ્રેરણાત્મક કહાની પણ કહી શકો છો.
બાળકને સર્જનાત્મક પ્રવૃત્તિમાં વ્યસ્ત કરો
યુનિસેફ સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જો બાળકોને નિષ્ક્રિય રાખવાને બદલે સર્જનાત્મક કાર્યમાં વ્યસ્ત રાખવામાં આવે તો તેઓ કંઈક નવું કરવાનો પ્રયાસ કરશે. તેનાથી તેમનું મન સકારાત્મક રહેશે અને તેઓ સારું વર્તન કરશે. એટલે કે, માતા-પિતાએ બાળકને પેઈન્ટિંગ કરવા આપવી, અથવા તેને સ્પોર્ટ એક્ટિવીટી શિખવાડવી અથવા શારીરિક અને માનસિક વિકાસ થાય તે પ્રવૃત્તિ કરાવી બાળકને વ્યસ્ત રાખી શકે છે.