શિવસાગર સોસાયટીમાં મહિલાની હત્યામાં નવો વણાંક: ભત્રીજો જ હત્યારો નીકળ્યો
પતિજ હત્યારો હોવાની શંકા ખોટી નીકળી, રૂપિયા માટે ભત્રીજાએ હત્યા કર્યાનું ખૂલ્યું
હત્યા કરનાર કૌટુંબિક ભત્રીજાને વડોદરાથી ઝડપી લેવાયો
જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડીંગ પાસે શિવસાગર સોસાયટીમાં હેમાલીબેન અલ્પેશભાઈ વરૂ (ઉ.વ.૨૭)ની કાતરના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરવાના બનાવમાં તેનો પતિ અલ્પેશભાઈ પરસોતમભાઈ વરૂ જ સંડોવાયેલ હોવાની શંકાએ છેલ્લા ત્રણ દિવસથી ચાલતા હત્યાના ભેદ ભરમમાં અંતે ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસની તપાસમાં હત્યા તેના પતિએ કરી હોવાની શંકાએ તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શંકાના પરિઘમાં રહેલ પરણિતાના પતિની ઉંડી પૂછતાછ કરતાં નવો વણાંક આવ્યો હતો.હત્યામાં મૃતક મહિલાના પાડોશમાં રહેતો તેનો કૌટુંબિક ભત્રીજો હોવાનો ખૂલાશો થયો હતો. હત્યા બાદ દાગીના સાથે ફરાર હત્યારાને વડોદરાથી ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લેતા આ હત્યાનો બનાવમાં નવો વણાંક આવ્યો હતો.
હત્યાનો ભોગ બનેલી હેમાલીબેન (ઉ.વ.૨૭)ના પતિ અલ્પેશભાઈ પરસોતમભાઈ વરૂ (ઉ.વ. ૩૫)મિસ્ત્રી કામ કરે છે અને શિવસાગર સોસાયટી શેરી નં.૧ મોમભાઈ ભરવાડના મકાનમાં.૪૫૦૦ના ભાડેથી રહે છે. તે છેલ્લા બે દિવસથી રૈયારોડ બાપા સીતારામ ચોક પાસે આવેલ ચંદનપાર્ક ખાતે ધવલભાઇ મિસ્ત્રી સાથે કામે ચડયો હતો. અલ્પેશ ત્રણ ભાઈ અને ત્રણ બહેનમાં વચેટ છે. અલ્પેશના લગ્ન છ વર્ષ પહેલા પોરબંદર નવા ફુવારા પાસે લવલી પાન વાળી શેરીમા રહેતા ચંદુભાઇ રવજીભાઇ ફુટાણીયા પ્રજાપતીની દીકરી હેમાલી સાથે સમાજના રિત રીવાજ મુજબ થયા હતા અને આ લગ્ન જીવનથી સંતાનમા એક દીકરી રૂહી છે. પત્ની હેમાલી પંદર વીસ દિવસથી મવડી ચોકડી પાસે આવેલ ટુર બુકીંગ ઓફીસમા નોકરીએ લાગી હતી બનાવના દિવસે કેશોદ મુકામે રહેતા અલ્પેશના મોટાબા દિવાળીબેન ઓધાભાઇ વરૂનું અવસાન થતાં અલ્પેશના માતા ને કેશોદ જવાનુ હોય તે બાબતે દંપતી વચ્ચે માથાકૂટ થઈ હતી. બાદમાં અલ્પેશ તેના માતાને કેશોદ રવાના કર્યા બાદ આ સમગ્ર ઘટના બની હતી.
અલ્પેશ મિસ્ત્રી કામ માટે ગયા બાદ આખો દિવસ પત્નીને ફોન કર્યો પરતું હેમાલીબેને ફોન રિસીવ કર્યો ન હતો. પત્નીએ મોબાઇલ સાયલન્ટ કરી મુકી દીધેલ હશે તેમ અલ્પેશે માન્યું હતું અને કામ પૂરું કરી તે ધરે પહોંચ્યો ત્યારે ઘરની ડેલીનો આગળીયો બહારથી બંધ હતો તેમજ બેડરૂમની લાઇટ બંધ હોઇ અલ્પેશે લાઇટ ચાલુ કરતા પુત્રી દોડીને પિતાને વળગી પડી હતી હતી કશુંક અજુગતું થયાની શંકાએ તપાસ કરતાં પલંગ ઉપર પત્ની હેમાલી લોહી લુહાણ હાલતમાં પડેલ અને બાજુના રૂમમાં કબાટનો સામાન વેરવિખેર હાલતમાં પડેલ હતો. કબાટમાં રાખેલ આશરે દોઢેક તોલા સોનાનો ચેઇન, સોનાની વીંટી, સોનાની લકકી ગુમ હતી. અલ્પેશ ઘરની બહાર નીકળી ગયેલ અને બાજુમાં રહેતા હિતેશભાઈના ભાઈ ભાવેશભાઈ અને મકાન માલીક મોમભાઈ ભરવાડને જાણ કરી હતી.
બનાવ અંગે પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
આ હત્યાના બનાવમાં હેમાલીના પતિ અલ્પેશ ઊપર શંકા વ્યક્ત કરવામાં આવી હોય તેની બે દિવસ ઊલટ તપાસ બાદ આ હત્યામાં તેનો પાડોશી કૌટુંબિક ભત્રીજો હોવાની હકીકત સામે આવી હતી. જેની વડોદરાથી પોલીસે ધરપકડ કરી હતી.
આ હત્યા અને લૂંટના આ બનાવનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તથા ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના પી. આઈ. એમ.આર.ગોંડલીયા તેમજ પીએસઆઈ એમ.જે.હૂણ અને તેમની ટીમે ઉંડાણપૂર્વક તપાસ કરતા આ બનાવનો ભેદ ઉકેલાઈ ગયો હતો.