પત્નીને લગ્નેતર સંબંધ માટે નાં પાડનાર પતિ સામેની FIR કોર્ટે ફગાવી
પતિએ બીજા સાથે સંબંધ ન રાખવાનું કહેતાં બદલો લેવા માટે એફઆઈઆર નોંધાવી હોવાનું હાઈકોર્ટે નોંધ્યું
ગુજરાત હાઈકોર્ટે બોટાદની એક મહિલા દ્વારા પતિ વિરુદ્ધ કલમ 498 A અંતર્ગત નોંધાવેલી એફઆઈઆર ફગાવી દેવામાં આવી છે. પત્ની લગ્નેતર સંબંધો ધરાવતી હતી અને પતિ દ્વારા તેને તેમ ન કરવાનું કહેતાં તેણે બદલાના ભાગ રૂપે એફઆઈઆર નોંધાવી હોવાનું હાઈકોર્ટે નોંધ્યું હતું. આ કેસમાં લગ્નેતર સંબંધ ધરાવતી પત્નીએ પતિ વિરુદ્ધ કલમ 498 A સહિતના ગુનાની નોંધાયેલી ફરિયાદ હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું છે કે ફરિયાદી પત્નીને લગ્નેતર સંબંધ નહીં રાખવા પતિ દ્વારા કહેવામાં આવતાં તેણે બદલાના ભાગ રૂપે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું પ્રથમદર્શીય રીતે સામે આવેલા તથ્યો અને ફરિયાદની હકીકત પરથી જણાય છે. પત્ની લગ્નેતર સંબંધ રાખે છે અને પતિ આવા આડાસંબંધ નહીં રાખવાનું કહે ત્યારે પતિની એ વર્તણૂંક વ્યાજબી અને નૈસર્ગિક છે. પત્નીએ પોતાની જાતનો બચાવ કરવા માટે પતિ વિરુદ્ધ ક્રૂરતા સહિતના મામલે એફઆઈઆર નોંધાવી હોવાથી તેને રદ બાતલ કરવામાં આવે છે.
ગુજરાત હાઈકોર્ટે પોતાના આદેશમાં તે પણ નોંધ્યું હતું કે, જો પત્ની દ્વારા કરવામાં આવેલી એફઆઈઆરને સંપૂર્ણ પણે માની પણ લેવામાં આવે તો પણ તેણે પતિ વિરુદ્ધ જે આક્ષેપો લગાવ્યા છે એ સંબંધિત કોઈ પણ કેસ બનતો નથી. પત્ની દ્વારા ફોજદારી કાયદાકીય પ્રક્રિયાનો બદઈરાદા પૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. તેણે કોર્ટની પ્રક્રિયાનો પણ દુરુઉપયોગ કર્યો છે. કોઈ પણ વ્યક્તિ પોતાનું વ્યક્તિગત વેર વાળવા માટે કોર્ટની પ્રક્રિયાનો ઉપયોગ કરી શકે નહીં તે સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ કોર્ટની છે. તેથી તમામ સંજોગોને ધ્યામાં લેતા કોર્ટ તેની સત્તાનો ઉપયોગ કરીને પતિ વિરુદ્ધની એફઆઈઆર રદબાતલ કરે છે.
આ કેસમાં બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ એફઆઈઆરમાં પત્નીએ પતિ વિરુદ્ધ અત્યાચાર, ત્રાસ અને દહેજના આક્ષેપો કર્યા હતા. તેથી પતિએ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરાવવા માટે રિટ પિટિશન કરી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે 2012માં અરજદારના ફરિયાદી સાથે લગ્ન થયા હતા. ત્યારબાદ તેઓ બોટાદમાં સાથે રહેતા હતા. થોડા સમય બાદ તેમની વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા જેનું મુખ્ય કારણ પતિ દ્વારા પત્નીના ચરિત્ર ઉપરની શંકા હતું. જેના કારણે તે પત્ની સાથે ગરવર્તન કરતો અને ત્રાસ ગુજરાતો એવી ફરિયાદ પત્ની દ્વારા કરવામાં આવી હતી.