યુક્રેનના લુહાન્સ્કમાં મિસાઈલ હુમલો, જુઓ કેટલા લોકોના મોત થયા
રશિયાના કબજાવાળા યૂક્રેની વિસ્તાર લુહાન્સ્કમાં એક બેકરી હાઉસ પર ભીષણ મિસાઈલ હુમલા (Missile Attack in Luhansk)માં 28 લોકોના મોત થયા છે. ભીષણ હુમલામાં આસપાસની કારો પણ હવામાં ઉડી ગઈ છે. ઉપરાંત ઘટનાસ્થળની નજીકની બિલ્ડિંગોને પણ નુકસાન થયું છે. હુમલામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલ મળ્યા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે.
રશિયાએ યુક્રેન પર લગાવ્યો હુમલાનો આક્ષેપ
રશિયાના ઈમરજન્સી મંત્રાલયે વીડિયો જારી કરી કહ્યું કે, ‘યુક્રેનના હુમલા બાદ અમારા કર્મચારીઓએ યૂક્રેનના પૂર્વ લુહાન્સ્કના લિસિચાંસ્ક શહેરમાં એક બેકરીની ઈમારત પર હુમલા બાદ કાટમાળ નીચેથી 20 લોકોના મૃતદેહો બહાર કાઢ્યા છે. આ ઉપરાંત સારવાર દરમિયાન 8 લોકોના મોત પણ થયા છે.’ ઘટના અંગે યુક્રેન તરફથી કોઈ જવાબ આવ્યો નથી. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ખજારોવાએ કહ્યું કે, હુમલામાં વખતે બિલ્ડિંગમાં ડઝનો નાગરિકો હતા અને પશ્ચિમ હથિયારનો ઉપયોગ કરાયો હતો.
રૉકેટ સિસ્ટમથી બેકરી પર ગોળીબાર કરાયો હોવાનો આક્ષેપ
રશિયન નિયંત્રિત લુહાન્સ્ક સૂચના કેન્દ્રએ કહ્યું કે, યુક્રેને અમેરિકા દ્વારા અપાયેલ હાઈ મોબોલિટી આર્ટિલરી રૉકેટ સિસ્ટમ (HIMARS)નો ઉપયોગ કરી બેકરી પર ગોળીબાર કર્યો. રશિયાની સરકારી સમાચાર એજન્સી TASSએ ઓપરેશનલ સેવાઓમાં રશિયન-સ્થાપિત અધિકારીને ટાંકીને કહ્યું કે, પીડિતોની સરેરાશ ઉંમર 35 વર્ષ હતી. મૃતકોમાં કોઈપણ બાળક નથી, પરંતુ હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.