પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ઉદ્ધવ ઠાકરે ને સ્પીડ પોસ્ટ દ્વારા આમંત્રણ મળ્યું
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (ઠાકરે) ના વડા ઉદ્ધવ ઠાકરેને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેનું આમંત્રણ સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવતા વિવાદ થયો છે. આ બાબતે સંજય રાઉતે બળાપો કાઢતા કહ્યું કે જે લોકોને રામ જન્મભૂમિ સાથે કાંઈ લેવાદેવા નથી એવા ફિલ્મ સ્ટાર્સ અને સેલિબ્રિટીઝને ખાસ રૂબરૂ આમંત્રણ આપવામાં આવે છે જ્યારે રામ જન્મભૂમિ આંદોલનમાં મુખ્ય અને મહત્વની ભૂમિકા ભજવનાર ઠાકરે પરિવારને આ રીતે અપમાનિત કરાઈ રહ્યા છે. નોંધનીય છે કે છેક સુધી આમંત્રણ ન મળતા રોષે ભરાયેલા ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરના દર્શને જવા માટે પોતાને કોઈના આમંત્રણની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. તેમણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વડાપ્રધાન મોદીના હસ્તે કરવાને બદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરમુના હસ્તે કરવાની માગણી કરી હતી અને 22મી તારીખે નાસિકના કાલારામ મંદિર ખાતે મહા આરતી યોજવાની જાહેરાત કરી હતી.