ગિફ્ટ સિટીથી ૪૦ કિલોમીટર દુર લઠ્ઠાકાંડ : બે ના મોત
દહેગામના લિહોડા ગામમાં બની ઘટના : ચાર સારવાર હેઠળ
ગાંધીનગરના દહેગામના લિહોડા ગામમાં શંકાસ્પદ લટ્ઠાકાંડની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. આ ઘટનામાં દેશી દારૂ પીધા બાદ બે લોકોના મોત થયા છે. જ્યારે ચારની હાલત ગંભીર જણાતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.જે ગામમાં લઠ્ઠાકાંડ થયો ત્યાંથી ગિફ્ટ સિટી માત્ર ૪૦ કિલોમીટર જ દુર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, લિહોડા ગામમાં મોડી સાંજે કેટલાક લોકોએ દેશી દારૂ પીધો, ત્યારબાદ તબીયત લથડી, જેમાં બે લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા, આઈજી રેન્જ ઓફિસર સહિતનો પોલીસ કાફલો ગામમા દોડી આવ્યો હતો. આવો ઝેરી દારુ વેંચનાર બુટલેગરની ઓળખ કરી લેવામાં આવી છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ સૂત્રો અનુસાર, જે બે લોકોના મોત થયા છે, જેમાં (1) કાળુજી ઝાલા, લિહોડા અને (2) વિક્રસસિંહ ઝાલાનો સમાવેશ થાય છે, જ્યારે ચાર લોકોની તબીયત લથડતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે,
ગાંધીનગર એસપી રવિ તેજાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, અમે એફએસએલ ટીમ બોલાવી જ્યાંથી બે લોકોએ દારૂ પીધો હતો ત્યાં કાર્યવાહી કરાવી તપાસ શરૂ કરી હતી. બે લોકોના મોત હાલમાં વધારે પડતો દારૂ પીવાથી થયા હોવાનું કહી શકાય, જેથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સૂત્રો અનુસાર, આ ઘટના બાદ પોલીસે જિલ્લામાં બુટલેગરો પર તવાઈનુ મન બનાવી લીધુ છે, પોલીસ વડાએ જિલ્લામાં તમામ જગ્યા પર દરોડા પાડી દારૂ વેચતા લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે.