ત્રિકોણબાગ સિટી બસ જ ટ્રાફિક સમસ્યાનું મૂળ
- અલાયદુ પાર્કિંગ ફાળવ્યું હોવા છતાં રોડ પર ઊભી કરી દેવાય છે સિટી બસ: માલવિયા
- ચોક તરફનો અડધો રસ્તો રોકાઈ જતો હોય અન્ય વાહનચાલકોને ભોગવવી પડે છે હાલાકી
રાજકોટના હાર્દસમા ત્રિકોણબાગ ચોકમા છાશવારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અહી સિગ્નલ હોવા છતા વાહનોની લાઈનો જોવા મળે છે. જેનુ કારણ રોડ પર ઉભી રહેતી સિટી બસ છે. સિટી બસ માટે અલાયદુ પાર્કિગ આપવામા આવ્યુ હોવા છતા માલવિયા ચોક તરફ જવાના રસ્તે તેમજ હોસ્પિટલ ચોક તરફ જવાના રસ્તે રોડ પર સિટીબસ ઉભી કરી દેવામા આવે છે જેના કારણે અન્ય વાહનચાલકોને મુશ્કેલી સર્જાય છે.

શહેરમા ટ્રાફિકની સમસ્યા દરેક મુખ્ય માર્ગો પર જોવા મળે છે. ખૂબજ અવર-જવરવાળા યાગ્નિક રોડ, ત્રિકોણ બાગ, કાલાવાડ રોડ, કોટેચા ચોક, યુનિવર્સિટી રોડ, રૈયા ચોકડી સહિતના વિસ્તારોમા અવાર-નવાર વાહનચાલકો ટ્રાફિકમાં ફસાય છે. પરતુ આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરવામા તંત્ર વામણું પુરવાર થયુ છે. ત્રિકોણ બાગ ચોકમા પણ આ સમસ્યા અવાર-નવાર જોવા મળે છે.

મહત્વનુ છે કે, અહી મોટાભાગે રોડ વચ્ચે ઉભી રહેતી સિટી બસને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ત્રિકોણ બાગ ચોકમા જ સિટીબસના પાર્કિગ માટે અલાયદુ એટલે કે માત્ર સિટી બસ માટે જ પાર્કિગ ફાળવવામા આવ્યુ છે પરતુ અહી ભાગ્યે જ સિટીબસ પાર્ક હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. મોટેભાગે માલવિયા ચોક તરફ જવાના રસ્તે બસ ઉભી કરી દેવામા આવે છે. જેના કારણે માલવિયા ચોક તરફ જવાના રસ્તે અન્ય વાહનચાલકો પણ ફસાય છે અને તેમનો સમય બરબાદ થાય છે. તંત્ર પણ આ સમસ્યા સામે આખ આડા કાન કરતુ હોય તેમ કોઈ નક્કર કામગીરી કરતુ નથી. મહાનગર પાલિકાના સત્તાધીશોને પણ આ સમસ્યા દેખાતી નથી. આડેધડ ઉભી કરી દેવામા આવતી સિટીબસન કોન્ટ્રાકટરો સામે પગલા લેવાની હિમ્મત થતી નથી.

નોંધનીય છે કે, ત્રિકોણ બાગ થઈને જ મોટાભાગની એસટી બસ પણ પસાર થતી હોય છે ત્યારે ઘણી વખત હોસ્પિટલ તરફ જવાના રસ્તે પણ રોડ પર ઉભી કરી દેવામા આવેલી સિટીબસ ટ્રાફિક સમસ્યા સર્જે છે. સિટીબસ રોડ વચ્ચે ઉભી હોવાને કારણે તેની પાછળ અન્ય વાહનોની લાઈનો લાગે છે. તો બીજી તરફ ત્રિકોણબાગ ચોકમા એક પણ વોર્ડ ટ્રાફિક નિયમન કરતા દેખાયા ન હતા. જો અહી ટ્રાફિક નિયમન માટે કાયમી વોર્ડ રાખવામા આવે તો પણ સમસ્યા હળવી થઈ શેક છે. ત્રિકોણ બાગમાં સિટીબસને ફાળવેલા પાર્કિગમાં જો બસ પાર્ક કરવામા આવે તો રોજની ટ્રાફિક સમસ્યામાંથી વાહનચાલકોને છુટકારો મળી શકે છે.