લોકસભાની ચૂંટણી પૂર્વે મોદી માટે પુતીનનો ઉષ્માભર્યો સંદેશો મોકલ્યો, વાંચો શું લખ્યું
મોદીને રશિયા આવવાનું આમંત્રણ પાઠવ્યું
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવતા વર્ષે રશિયાની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું છે. રશિયાની પાંચ દિવસની મુલાકાતે ગયેલા ભારતના વિદેશમંત્રી જયશંકર સાથેની વાતચીત દરમિયાન તેમણે આવતા વર્ષે ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરીને ‘ભારત ખાતેના અમારા દોસ્તો ‘ને શુભેચ્છાઓ પાઠવી હતી.એ મુલાકાત દરમિયાન તેમણે યુક્રેન યુદ્ધ સંદર્ભે ભારતની ભૂમિકા તથા વડાપ્રધાન મોદીની નિર્ણય શકિતની પ્રસંશા કરી હતી.
યુક્રેન યુદ્ધ બાબતે પુતિને કહ્યું હતું કે વાસ્તવિક સ્થિતિ અંગે હું મોદીને જાણકારી આપતો રહ્યો છે. તેમણે ભારતના વલણ ને તટસ્થ ગણાવી યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાના મોદીના પ્રયાસોને બિરદાવ્યા હતા.
એ અગાઉ જયશંકરે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથેની મુલાકાત બાદ પત્રકાર પરિષદને સંબોધતા આવતા વર્ષે વાર્ષિક સમિટમાં મોદી અને પુતિન મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.નોંધનીય છે કે અત્યાર સુધીમાં ભારત અને રશિયા વચ્ચે એકાંતરે 21 વાર્ષિક સમિટ યોજાઈ ચૂકી છે. છેલ્લી સમિટ ડિસેમ્બર 2021માં નવી દિલ્હીમાં યોજાઈ હતી.
જયશંકર સાથેની મુલાકાતના પુતિને એમ પણ કહ્યું કે રશિયા અને ભારત વચ્ચે વેપાર વધી રહ્યો છે, ખાસ કરીને ક્રૂડ ઓઈલ અને ઉચ્ચ ટેકનોલોજી ક્ષેત્રોમાં અત્યારે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વિકાસ દર વધુ હોવાનું તેમણે જણાવ્યું હતું અને ભારતમાં રાજનીતિક તાકાત કોઈની પણ હોય,ભારત અને રશિયા વચ્ચેની મૈત્રી અકબંધ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.