હાઇ-વે પર ડિવાઇડર સાથે ચેડાં: કોણે કર્યા મોતને તેડા?
અમદાવાદ-ગોંડલ હાઇ-વે પર ડિવાઇડર તોડીને પસાર થતાં વાહનચાલકો: થોડું ફરીને જવાને બદલે પોતાના અને અન્યના જીવ જોખમમાં મૂકે છે: હાઇ-વે પર પેટ્રોલિંગ કરતી પોલીસના આંખ આડે કાન

રાજકોટ શહેરમાં એક બાજુ ટ્રાફિકની સમસ્યાથી ઓછી થવાનું નામ નથી લેતી તો બીજી તરફ કેટલાક એવા લોકો પણ છે કે જે પોતાના જીવની પરવાહ કર્યા વગર હાઇ-વે પરના ડિવાઇડર તોડીને ત્યાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે અને અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે.
શહેરમાં જેમ-જેમ ટ્રાફિકની સમસ્યા વધી છે તેમ હાઇ-વે પર અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. જેનું એક કારણ એ પણ છે કે, વાહનચાલકો હાઇ-વે પર થોડું ફરીને રોડ ક્રોસ કરવાને બદલે ડિવાઇડર તોડીને પસાર થઈ રહ્યા છે. શહેરના અમદાવાદ-ગોંડલ હાઇ-વે પર આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગ્રીનલેંડ ચોકડીથી ગોંડલ તરફ જતાં હાઇ-વે પર કોઠારીયા નજીક રોડ ક્રોસ કરતાં વાહનચાલકો દરરોજ જોવા મળે છે.

હુડકો ક્વાટર, નીલકંઠ નગર વિસ્તારમાંથી કોઠારીયા તરફ જવા માટે કેટલાક લોકોએ હાઇ-વે પરના ડિવાઇડર તોડી નાખ્યા છે. અહીથી રોજના અનેક વાહનચાલકો હાઇ-વે વચ્ચેથી નીકળી રહ્યા છે. મહત્વનું છે કે, હાઇ-વે પરથી બસ, ટ્રક જેવા વાહનો તેજ ગતિથી પસાર થતાં હોય છે ત્યારે ડિવાઇડર તોડીને પસાર થતાં આવા વાહનચાલકો અક્સ્માતનું કારણ બની શકે છે. ખાસ કરીને રાત્રિના સમયે કોઈ મોટો અકસ્માત પણ બની શકે છે. આવા વાહનચાલકો પોતાની અને પોતાના પરિવારની પણ ચિંતા કરતાં નથી અને સમય બચાવવા કે ઈંધણ બચાવવા માટે જોખમ લે છે. અનેકવાર હાઇ-વે અકસ્માતના બનાવો બને છે પરંતુ તેમાંથી બોધ લેવાને બદલે “આપણને કઈ ન થાય” તેવા વહેમમાં રહે છે.

વાહનચાલકો હાઇ-વે વચ્ચેથી પસાર થવાનું મુખ્ય કારણ એ છે કે, હુડકો ક્વાટરથી કોઠારીયા વિસ્તાર તરફ જવા માટે થોડે દૂર સુધી ફરીને જવાનું થાય છે. જેના કારણે ફરીને જવું ન પડે તે માટે તેઓ પોતાના અને અન્યના પણ જીવને જોખમમાં મૂકી રહ્યા છે. નોંધનીય છે કે, હાઇ-વે પર પેટ્રોલિંગ કરતી પોલીસને પણ આ બધુ દેખાતું નથી, અને જો દેખાતું હોય તો આંખ આડા કાન કરતી હશે તેવું જાગૃત લોકો કહી રહ્યા છે.
અધિક કલેકટરની સૂચનાનો ઉલાળિયો
તાજેતરમાં જ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર એસ. જે. ખાચરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. જેમાં હાઇ-વે પર વાહન અકસ્માતના કારણો અને તેના માટે લેવામાં આવેલા પગલાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ દ્વારા હાઇ-વે આસપાસ આવેલા નડતરરૂપ હોટેલ,શોરૂમ, દુકાનો તોડી પાડવા તેમજ ગેપ ઇન મીડિયમ તોડતા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા સૂચના આપવામાં આવી હતી. જો કે રાજકોટ શહેરની ફરતે આવેલા હાઇ-વે પર હજુ પણ વાહનચાલકો ડિવાઇડર તોડીને રોડ ક્રોસ કરી રહ્યા છે ત્યારે અધિક કલેકટરની સૂચનાનો ઉલાળિયો કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.