દળી દળીને ઢાંકણીમાં ! હાર્દિક પંડ્યા IPLમાંથી થઈ શકે `આઉટ’
પેટા: હજુ સુધી ફિટ થઈ શક્યો ન હોવાને કારણે ટૂર્નામેન્ટમાં રમવા પર મોટો પ્રશ્નાર્થ: જો કે ટીમની કમાન રોહિતને સોંપાવાની શક્યતા ઓછી !
વૉઈસ ઑફ ડે, નવીદિલ્હી
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ-૨૦૨૪ માટે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. હાર્દિકે રોહિત શર્માની જગ્યા લીધી હતી જેણે પોતાની આગેવાનીમાં મુંબઈને પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન બનાવી હતી. હાર્દિકને કેપ્ટન બનાવવાનો નિર્ણય અત્યંત ચોંકાાવનારો રહ્યો કેમ કે હાર્દિક પંડ્યા ઈજાને કારણે ક્રિકેટથી દૂર છે. હવે હાર્દિકને લઈને એવા અહેવાલો સામે આવ્યા છે જેણે મુંબઈ ફ્રેન્ચાઈઝીનું ટેન્શન વધારી દીધું છે. હાર્દિક ઈજાને કારણે આઈપીએલમાંથી બહાર થઈ શકે છે સાથે સાથે તેનું અફઘાનિસ્તાન સામે ટી-૨૦ શ્રેણી રમવું પણ નિશ્ચિત છે.
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે હાર્દિકની ફિટનેસ અંગે હજુ સુધી કોઈ જ અપડેટ મળ્યું નથી એટલા માટે તે આઈપીએલમાં રમી શકશે કે નહીં તે એક મોટો સવાલ છે. હાર્દિકનું ફિટ ન થઈ શકવું ટીમ ઈન્ડિયા માટે પણ મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે. હવે રોહિત શર્મા અફઘાનિસ્તાન વિરુદ્ધ ભારતીય ટીમનું નેતૃત્વ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાને વર્લ્ડકપ-૨૦૨૩માં બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ દરમિયાન પગમાં ઈજા પહોંચી હતી જેના કારણે તેણે અધવચ્ચેથી ટૂર્નામેન્ટ છોડવી પડી હતી સાથે જ તેણે ઑસ્ટે્રલિયા અને આફ્રિકા વિરુદ્ધ શ્રેણી ગુમાવી હતી. એટલું જ નહીં હાર્દિક પંડ્યા આફ્રિકા પ્રવાસનો પણ હિસ્સો નથી. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિકને ૨૦૧૫માં ૧૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હાર્દિક ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૦માં આઈપીએલ જીતનારી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે.
ટીમ ઈન્ડિયાને ઝટકો: સૂર્યકુમાર અફઘાન સામે શ્રેણી નહીં રમે
અફઘાનિસ્તાન સામે ટીમ ઈન્ડિયા ટી-૨૦ શ્રેણી રમવાની છે જેમાં હાર્દિક પંડ્યાનું બહાર થવું લગભગ નક્કી જ છે ત્યાં હવે બીજો ઝટકો સૂર્યકુમાર યાદવના રૂપમાં લાગ્યો છે. સૂર્યકુમાર ઈજાગ્રસ્ત થઈ ગયો હોવાને કારણે તે આ શ્રેણી ગુમાવશે.
