કેજરીવાલને ઇડીનું બીજું સમન્સ
આબકારી નીતિમાં ભ્રષ્ટાચાર મામલે પૂછપરછ થશે, પહેલા સમન્સમાં હાજર થયા નહતા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ ફરી પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. દિલ્હી લિકર પોલિસીથી જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમને 21 ડિસેમ્બરે હાજર થવા આદેશ થયો હતો. આ મામલે કેજરીવાલને આ બીજું સમન્સ છે. આ પહેલા 2 નવેમ્બરે પૂછપરછ માટે ઈડીએ નોટિસ મોકલી હતી, પરંતુ તેમણે નોટિસને ગેરકાયદે ગણાવીને પરત લેવાની માંગ કરી હતી. કેજરીવાલ આ દિવસોમાં મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીને લઈને રોડ શોમાં સામેલ થયા હતા.
અરવિંદ કેજરીવાલને સમન્સ એવા સમયે મોકલાવ્યું છે, જ્યારે તેઓ વિપશ્યના કેન્દ્ર જવાના છે. શનિવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 10 દિવસ વિપશ્યના ધ્યાન કાર્યક્રમમાં સામેલ થશે.
અધિકારીઓએ કહ્યું કે, કેજરીવાલ દિલ્હી વિધાનસભાના શિયાળુ સત્ર સમાપ્ત થયાના એક દિવસ બાદ આજે રાષ્ટ્રીય રાજધાનીથી રવાના થશે. મુખ્યમંત્રી લાંબા સમયથી વિપશ્યનાનો અભ્યાસ કરી રહ્યા છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં બેંગલુરુ અને જયપુર સહિત કેટલાક સ્થળો પર જઈ ચૂક્યા છે.
