દબાણ હટાવ શાખાની કારીગરી’થી ગરીબ ધંધાર્થીઓનું જીવવું હરામ !!
પોતાને મન પડે તેવી રીતે અને ત્યાં જ કામ કરવા માટે
કુટેવાયેલી’ શાખાના વધુ એક પરાક્રમ સામે મ્યુનિ.કમિશનરને રજૂઆત: જીવરાજ પાર્ક હૉર્ક્સ ઝોનમાં વહિવટ' કરી થડાં અપાતાં હોવાનો આક્ષેપ
હંમેશા વિવાદના કેન્દ્રમાં જ રહેવા માટે પંકાઈ ગયેલી મહાપાલિકાની દબાણ હટાવ શાખાની કામગીરી (આમ તો કારીગરી જ કહેવી પડે) કાયમ માટે શંકાસ્પદ જ રહેતી હોવાનું એક નહીં બલ્કે અનેક વખત ચર્ચાઈ ચૂક્યું છે.
હદ તો ત્યાં થઈ જાય કે જનરલ બોર્ડ દરમિયાન ખૂદ શાસક પક્ષના કોર્પોરેટરો આ શાખાની કામગીરી ઉપર સવાલો ઉઠાવી ચૂક્યા છે છતાં તેમાં સુધારા કરવાનું એક પણ અધિકારીને સૂઝી રહ્યું નથી.
હવે દબાણ હટાવ શાખાની
કારીગરી’ને કારણે ગરીબ ધંધાર્થીઓનું જીવવું હરામ થઈ ચૂક્યું છે જેના કારણે ટોળું મહાપાલિકાની કચેરીએ દોડી આવ્યું હતું અને મ્યુનિ.કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
વૉર્ડ નં.૧૧માં નવનિર્મિત જીવરાજ પાર્ક હૉકર્સ ઝોનમાં થડા માટે ફેરિયાઓને લાયસન્સ કાઢી આપવામાં દબાણ હટાવ શાખા કારીગરી કરી રહ્યાના આક્ષેપ સાથે ધંધાર્થીઓએ જણાવ્યું કે તેઓ છેલ્લા પંદરેક વર્ષથી રેંકડી રાખી શાકભાજી સહિતનું વેચાણ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા બે મહિનાથી હૉકર્સ ઝોનમાં જગ્યા મેળવવા માટે મહાપાલિકામાં જવાબદાર અધિકારીઓ પાસે લાયસન્સ મેળવવા માટે વારંવાર રજૂઆત કરી છે.
રજૂઆત વખતે અમને સર્વે કરી લાયસન્સ કાઢી આપવાનું કહેવાયું હતું પરંતુ હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. છેલ્લા પાંચ દિવસથી ગરીબ ધંધાર્થીઓની રેંકડી જપ્ત કરીને રીતસરના હેરાન કરવામાં આવી રહ્યા છે.
ધંધાર્થીઓએ એવો પણ આક્ષેપ કર્યો કે હૉકર્સ ઝોનમાં અનેક ધંધાર્થી એવા છે જેમને `બારોબાર’ થડા ફાળવી દેવામાં આવ્યા છે પરંતુ જેમને સાચી જરૂર છે તેમને થડા આપવામાં આવી રહ્યા જ નથી. જો અમને હૉકર્સ ઝોનમાં લાયસન્સ આપી જગ્યા ફાળવવામાં આવશે તો અમારું ગુજરાન વ્યવસ્થિત ચાલી શકશે અન્યથા પરિવારે રસ્તે રઝળવાની નોબત આવશે.