મધ્ય પ્રદેશ છોડી ને ક્યાંય જવાનો નથી:શિવરાજનું સૂચક નિવેદન
- વિદિશામાં મહિલાઓને હૈયાધારણા આપી
- મહિલાઓ ભેટી પડી,શિવરાજ રડી પડ્યા
મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણની વિદિશાની મુલાકાત સમયે અત્યંત લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા.તેઓ હનુમાન મંદિરે દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓએ તેમને ઘેરી લીધા હતા.બહેનોએ તેમને ભૈયા અને મામા તરીકે સંબોધન કરી ને તેમના સમર્થન માં સૂત્રોચ્ચાર કર્યા હતા.અનેક મહિલાઓ રડી પડી હતી.શિવરાજ પણ આ પ્રેમ અને લાગણી જોઈને ભાવુક બની ગયા હતા અને તેમની આંખો પણ ભીની થઈ ગઈ હતી.તેમને ભેટીને રડતી મહિલાઓને તેમણે પોતે દિલ્હી નથી જવાના અને મધ્ય પ્રદેશમાં જ રહેવાના છે એવી હૈયાધારણા આપી હતી.
બે દાયકા સુધી મધ્ય પ્રદેશના રાજકારણમાં એકચક્રી સર્વોચ્ય પ્રભાવક બળ બની રહેલા શિવરાજસિંહ ચૌહાણ હવે મુખ્યમંત્રીપદે ન હોવા છતાં તેમની લોકપ્રિયતા અચંબિત કરી દે તેવી છે.એક સમયના બીમારું ગણાતા મધ્ય પ્રદેશને વિકાસના પથ પર દોરી જનાર શિવરાજસિંહની કલ્યાણકારી યોજનાઓનો કારણે ભાજપ ગરીબ અને પછાત વર્ગની વોટબેંક અંકે કરવામાં સફળ રહ્યો હતો.ખાસ કરીને લાડલી બહેન યોજના ને કારણે મહિલા વર્ગ માં શિવરાજ ખૂબ સન્માનનીય સ્થાન મેળવી શક્યા હતા.
આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ હોવા છતાં શિવરાજ ના સમર્થનમાં મહિલાઓએ કરેલા એકતરફી જંગી મતદાન ને કારણે જ ભાજપને અકલ્પ્ય બહુમતી મળી હોવાનું વિશ્લેષકો માને છે.
જો કે ભાજપે શિવરાજને મુખ્યમંત્રી પદ ન આપતા મહિલાઓ નિરાશ થઈ ગઈ છે.ત્યારથી દરરોજ મહિલાઓનાં ટોળે ટોળા શિવરાજને મળવા આવે છે અને તેમને મધ્ય પ્રદેશમાં જ રહેવા વિનંતી કરે છે.હવે જ્યારે તેમણે પોતે ‘ ક્યાંય નથી જવાનો ‘ એવી જાહેરાત કરતા મધ્ય પ્રદેશમાં તેમની ભાવી ભૂમિકા અંગે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે.