રાજકોટના યુવાનની હરિયાણામાં હત્યા
- માધાપર વિસ્તારમાં રહેતો ધર્મેશ જોષી ૨૭ નવેમ્બરે હરિયાણા ફરવા ગયો ત્યારે રેવાડીમાં રોકાણ દરમિયાન હોટેલ માલિક સાથે ઝઘડો થતા વાત હત્યા સુધી પહોંચી: હોટેલ માલિક-મેનેજરને પોલીસે દબોચ્યા
તાજેતરમાં જ હરિયાણાના રેવાડીમાં યુવકની અર્ધ સળગેલી હાલતમાં એક લાશ મળી આવી હતી જેની ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવતાં આ યુવક રાજકોટનો હોવાનું ખુલ્યું છે. માધાપર પાસે રહેતો ધર્મેશ જોષી નામનો યુવક કે જે હરિયાણા ફરવા આવ્યો હતો ત્યાં જ હોટેલ માલિક સાથે ઝઘડો થતાં તેની હત્યા કરવામાં આવી હોવાનું ખુલતાં આ ગુનામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.
રેવાડી પોલીસ માટે અત્યંત કોયડારૂપ બની ગયેલા ગુનાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. આ હત્યાને અંજામ આપનારા હોટેલ માલિક અને મેનેજરની પોલીસે ધરપકડ કરીને રિમાન્ડ પર લેવા તજવીજ શરૂ કરી છે. હરિયાણાના ખોલ પોલીસ મથકને એવી જાણકારી મળી હતી કે એક યુવકનો મૃતદેહ લુહાના નિમોઠ રોડ પર અર્ધ સળગેલી હાલતમાં પડ્યો છે.
જાણ થતાં જ ડીએસપી પવન કુમાર અને સીઆઈએની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવક ખરાબ રીતે સળગી ગયો હતો પરંતુ પોલીસે આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવીને યુવકની ઓળખ મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે શક્ય બન્યું ન્હોતુ. જો કે અલગ-અલગ દિશામાં તપાસ કરતા પોલીસને સફળતા મળી હતી.
પોલીસે ખુલાસો કરતા જણાવ્યું કે રાજકોટના માધાપર વિસ્તારમાં રહેતો ધર્મેશ જોષી ૨૭ નવેમ્બરે હરિયાણા ફરવા માટે આવ્યો હતો. આ પછી તે અંબાલાથી ટે્રનમાં બેસીને રેવાડી સ્ટેશન પહોંચ્યો હતો જ્યાં તેણે સ્ટેશન પાસે જ આવેલી હોટેલમાં રૂમ બુક કરાવ્યો હતો. જો કે રૂમમાં રોકાણ દરમિયાન માલિક સાથે કોઈ બાબતે તેનો ઝઘડો થયો હતો અને વાત મારામારી સુધી પહોંચતાં તેને ત્યાં જ પતાવી દેવામાં આવ્યો હતો.
આ પછી પૂરાવાનો નાશ કરવા માટે હોટેલ સંચાલક સચિન અને તેનો મેનેજર પંકજ યાદવનેમૃતદેહને ગાડીમાં નાખીને સૂમસામ જગ્યા પર લઈ ગયા હતા જ્યાં મૃતદેહને સળગાવી દેવાયો હતો. આ પછી ૫ ડિસેમ્બરે સવારે ગામના લોકોને મૃતદેહ ધ્યાન પર આવતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.