રાજકોટના ૨૫,૦૦૦ લોકોને `સૂર્ય નમસ્કાર’ કરાવશે મહાપાલિકા
ત્રણ એઈઝ ગ્રુપ બનાવાયા: વૉર્ડ કક્ષા, ઝોન કક્ષા અને મહાપાલિકા કક્ષાની સ્પર્ધામાં વિજેતા થનારા સ્પર્ધકો ૧ જાન્યુ.એ મોઢેરાના સૂર્યમંદિરે કરશે સૂર્ય નમસ્કાર: ૧ હજારથી અઢી લાખ સુધીના રોકડ ઈનામ
લોકોને શારીરિક રીતે ફિટ રહેવા માટે યોગાસન અત્યંત કારગત નિવડ્યા હોવાનું પૂરવાર થઈ ચૂક્યું છે ત્યારે પાછલા વર્ષોથી સૂર્ય નમસ્કાર પણ ફળદાયી નિવડતાં હોવાને કારણે તેને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ગુજરાતમાં પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા અંતર્ગત મહાપાલિકા દ્વારા ઝોન, વૉર્ડ અને મહાપાલિકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવશે જેમાં ૨૫,૦૦૦થી વધુ લોકો ભાગ લ્યે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ માટે ત્રણ એઈઝ ગ્રુપ બનાવવામાં આવ્યા છે જે ત્રણેય ગ્રુપના વિજેતા સ્પર્ધકો ૧ જાન્યુઆરીએ મોઢેરાના સૂર્યમંદિરે સૂર્ય નમસ્કાર કરશે. જ્યારે વિજેતા ખેલાડીઓને ૧ હજારથી લઈ અઢી લાખ સુધીના ઈનામની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સ્પર્ધાનું આયોજન મહાપાલિકા ઉપરાંત રમત-ગમત વિભાગ, યોગ બોર્ડ, યુવા બોર્ડના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યું છે.
સૌથી પહેલાં તા.૧૯ના વોર્ડ કક્ષાનું, તા.૨૩ના ઝોન કક્ષાનું અને તા.૨૬ના મહાપાલિકા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.આ માટે ૦થી ૧૮ વર્ષ, ૧૮થી ૪૦ અને ૪૦થી વધુની વય એમ ત્રણ એઈઝ ગ્રુપ બનાવવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં વૉર્ડ કક્ષાએ ૬ શ્રેષ્ઠ સ્પર્ધકો જેમાં વય જૂથ મુજબ એક ભાઈ-એક બહેનની પસંદગી કરવામાં આવશે. બીજા તબક્કામાં ઝોન કક્ષાએ ૬ શ્રેષ્ઠ સ્પર્ધક જેમાં વય જૂથ મુજબ એક ભાઈ-બહેનની પસંદ કરાશે. જ્યારે ત્રીજા તબક્કામાં મહાપાલિકા કક્ષાએ કોમન રેન્કમાં ૩ ભાઈઓ-બહેનોની પ્રથમ, દ્વિતીય અને તૃતિય એ રીતે પસંદગી કરવામાં આવશે.
ચોથા તબક્કામાં ઉપરોક્ત વિજેતા કુલ ૬ સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. જિલ્લા-મહાપાલિકા કક્ષાએ પસંદગી કરવા માટે ૪ લોકોની ટીમ બનાવવામાં આવી છે.