છેલ્લા પાંચ વર્ષમાં વિદેશોમાં કેટલા ભારતીય વિદ્યાર્થીઓના થયા મોત….? જાણો…
સૌથી વધારે મૃત્યુ કેનેડામાં નોંધાયા
વર્ષ 2018 થી અત્યાર સુધીમાં વિદેશમાં અભ્યાસ કરતા કુલ 403 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હોવાનું વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન વી. મુરલીધરને રાજ્યસભામાં જણાવ્યું હતું. તેમાં સૌથી વધારે કેનેડામાં 91 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. યુકેમાં 48, રશિયામાં 40, અમેરિકામાં 36 અને ઓસ્ટ્રેલિયામાં 35 ભારતીય વિદ્યાર્થીઓના અલગ અલગ કારણસર મોત નીપજ્યા હતા.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર 2018 થી 2022 વચ્ચે કુલ 5,67,6007 વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે કેનેડા ગયા હતા. એ જ સમયગાળા દરમિયાન 6,21,336 વિદ્યાર્થીઓ અમેરિકા અને 3,17,19 વિદ્યાર્થીઓ ભણવા માટે યુકે ગયા હતા.
દરમિયાન 24 મેના રોજ CBC ન્યુઝ દ્વારા આપવામાં આવેલ એક અહેવાલમાં જણાવ્યા અનુસાર 2022 માં કેનેડા ખાતેની ભારતીય રાજદૂત કચેરીમાં નોંધાયેલા 22 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. તેમાં ચાર વિદ્યાર્થીઓએ આપઘાત કરી લીધો હતો. પાંચ વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. 2023માં પણ અકસ્માતમાં બે છાત્રો એ જીવ ગુમાવ્યા હતા. એપ્રિલ 2023 માં ટોરેન્ટો સબ વે સ્ટેશનમાં એક વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નોંધનીય છે કે કેનેડામાં શીખ આતંકી હરદીપસિંઘ નિઝરની હત્યામાં ભારતની સંડવણી હોવાના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોના આક્ષેપ બાદ ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા અંગે વાલીઓમાં ચિંતાની લાગણી છે