રાજકોટમાં જુગાર ક્લબ પર દરોડો પડવાનું જાણો કારણ
એવરેસ્ટ બિલ્ડિંગ જુગારકાંડ': ઘર ફૂટે ઘર જાય તેવો ઘાટ ઘડાયા બાદ...
વહેતી થયેલી ચર્ચાઓ પ્રમાણે એક બળુકા જુગારીએ પોતાનાપંટર’ને એવરેસ્ટ બિલ્ડિંગમાં ચાલતી ક્લબમાં મોકલીને વીડિયો ઉતરાવી લીધા બાદ પોલીસનો દાણો' દબાવીને કહ્યું, કાં આને બંધ કરાવો, કાં અમને પણમંજૂરી’ આપો નહીંતર વીડિયો વાયરલ થશે !!
જો આ ચર્ચામાં લગીરેય સત્ય હોય તો પછી તપાસ કરવી જરૂરી કે આ રીતે દબાણ' લાવનારું કોણ, એ બળુકા જુગારીએ સ્થાનિક પોલીસને જ ફોન કરીને ગર્ભીત ધમકી આપી હોવાનો ગણગણાટ: જુગારકાંડમાં દરરોજ જેટલા મોઢા એટલી વાતો, સત્ય શું એ તો અધિકારીઓ જ જાણે
ત્રણ દિવસ પહેલાં શહેરના હાર્દસમા શાસ્ત્રી મેદાનની સામે જ આવેલા એવરેસ્ટ બિલ્ડિંગમાં ૯૦૬ નંબરની ઑફિસમાં એ-ડિવિઝન પોલીસે દરોડો પાડીને ઘોડીપાસાનો જુગાર રમતા ૨૫અઠંગ’ જુગારીઓને પકડી પાડ્યા હતા. આ દરોડો પડ્યો ત્યારથી લઈ આજ સુધીમાં જુગાર ક્લબને લઈને જેટલા મોઢા એટલી વાતો થઈ રહી છે. દરમિયાન આ જુગાર ક્લબમાં પોલીસ જમાદારની સંડોવણી હોવાનું સામે આવતાં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે બરાબર ત્યારે જ એક નવી ચર્ચાએ જોર પકડી લીધું છે. જુગારી આલમ તેમજ પોલીસ બેડામાં વહેતી થયેલી અટકળો વચ્ચે એક એવી વાત સામે આવી છે કે જુગારક્લબ ઉપર દરોડો પડવા પાછળ એક વીડિયો કારણભૂત છે !!
સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે રાજકોટના એક બળુકા જુગારી કે જેનું જુગારી આલમમાં સારી એવી પેઠ છે તેણે પોતાના જ એક પંટરને એવરેસ્ટ બિલ્ડિંગમાં ચાલી રહેલી જુગાર ક્લબમાં મોબાઈલ સાથે મોકલ્યો હતો. અહીં પહોંચ્યા બાદ શાણા' પંટરે ગુપચુપ રીતે પોતાના મોબાઈલમાં બિન્દાસ્ત પણે જુગારીઓ તેમજ રમતને કેદ કરી લીધા હતા અને ત્યાંથી રવાનગી લઈ લીધી હતી. જુગાર રમાતો હોય તેવો વીડિયો સામે આવતાં જ બળુકા જુગારીએ પોલીસનોદાણો’ દબાવવાનું શરૂ કર્યું હતું. એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આ જુગારીએ જ પોલીસને ફોન કરીને એવી ગર્ભિત ધમકી આપી હતી કે તેની પાસે એવરેસ્ટ બિલ્ડિંગની જુગારક્લબનો વીડિયો છે એટલા માટે કાં તો એ ક્લબ બંધ કરાવવામાં આવે, કાં તેને પણ આવી જ જુગાર ક્લબ શરૂ કરવાની મંજૂરી' આપવામાં આવે અન્યથા તે જુગારક્લબનો વીડિયો ગણતરીની મિનિટોમાં જ વાયરલ કરી દેશે !! આ તમામ પ્રકારની ચર્ચાઓ વિશે કોઈ સત્તાવાર બોલવા માટે તૈયાર નથી પરંતુ જો આ ચર્ચામાં લગીરેય સત્ય હોય તો પોલીસે એ દિશામાં તપાસ કરવી જોઈએ કે આખરે આ પ્રકારનુંદબાણ’ લાવનારું છે કોણ ? શું સાચે જ તેણે પોલીસને ફોન કર્યો હશે ? શું તેની પાસે ખરેખર જુગારક્લબનો વીડિયો હતો ? આ સહિતના પ્રશ્નોનો ઉત્તર પોલીસ તપાસ કરે તો જ મળી શકે તેમ છે પરંતુ હાલ તો આ વાતને લઈને ચર્ચાઓ, અફવાઓ અને અટકળોનું બજાર ગરમાગરમ થઈ ગયું છે.
ઑફિસના દરવાજા ખુલ્લા રાખીને જ રમાતો’તો જુગાર ?
ચર્ચાઓ તો એવી પણ ચાલી રહી છે કે એવરેસ્ટ બિલ્ડિંગમાં ૯૦૬ નંબરની ઓફિસમાં પકડાયેલી જુગાર ક્લબના સંચાલકને પોલીસને કોઈ જ પ્રકારનો ડર ન હોય તેવી રીતે દરવાજા ખુલ્લા રાખીને જુગાર રમાડવામાં આવી રહ્યો હતો ! એકંદરે તેને કોઈનું પીઠબળ હોવું જ જોઈએ નહીંતર આટલી બધી હિંમત તેનામાં આવે ક્યાંથી ? આ સહિતના મુદ્દા પણ ચર્ચાની એરણે ચડ્યા છે.
