સિમ કાર્ડને લગતા નવા નિયમોનો અમલ શરુ
નવી દિલ્હી
કેન્દ્ર સરકારના ટેલિકમ્યુનિકેશન વિભાગ (DoT) દ્વારા મોબાઈલ ફોનના સિમ કાર્ડને લગતા નવા નિયમો ગયા ઓગસ્ટ મહિનામાં ઘડ્યા હતા. તે આજે 1 ડિસેમ્બરથી અમલમાં મૂકવામાં આવ્યા છે. આ નિયમો અનેક ફેરફારો લાવશે, જેમ કે, સિલ્ક કાર્ડના જથ્થાબંધ વેચાણ પર પ્રતિબંધ, PoS ફ્રેન્ચાઈઝીઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે અને સિમ કાર્ડ ડિલરોનું પોલીસ વેરિફીકેશન ફરજિયાત રહેશે. બીજા પણ કેટલાક ફેરફારો છે. આ બધાય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના દૂષણને નાબૂદ કરવાનો અને ચકાસણીની કામગીરીને વધારે કડક બનાવવાનો છે.
ટેલિકોમ એજન્ટો માટે રજિસ્ટ્રેશન: પોઈન્ટ-ઓફ-સેલ (PoS) એજન્ટોએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની સાથે એક કરાર કરવો પડશે કે તેઓ કોઈ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં કરે. જો PoS એજન્ટો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા પકડાશે તો એમને રૂ. 10 લાખની રકમનો દંડ થઈ શકે છે અને એમની સેવા ત્રણ વર્ષ માટે રદબાતલ કરી દેવામાં આવશે.
KYC નિયમોઃ નવા સિમ કાર્ડની ખરીદી માટે અથવા હાલના ફોન નંબર પર નવું સિમ કાર્ડ ખરીદવાની અરજી કરતી વખતે ડેમોગ્રાફિક વિગતો આપવી ફરજિયાત રહેશે. આ વિગતો સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિના આધાર કાર્ડ પરના ક્યૂઆર કોડને સ્કેન કરીને મેળવવામાં આવશે. અગાઉના ગ્રાહકને અપાયેલો મોબાઈલ નંબર ડિસકનેક્ટ કરાય એના 90 દિવસ પછી જ નવી વ્યક્તિને મોબાઈલ નંબર આપવામાં આવશે. ધારકે સિમ કાર્ડ બદલી માટે સમગ્ર KYC (નો યોર કસ્ટમર) પ્રક્રિયા પૂરી કરવાની રહેશે.
સિમ કાર્ડની બલ્ક ખરીદી: સરકારે ડિજિટલ ક્ષેત્રે થતી છેતરપિંડીને રોકવા માટે સિમ કાર્ડના જથ્થાબંધ વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તે છતાં, KYC નિયમોના પાલન અંતર્ગત બિઝનેસગૃહો, કોર્પોરેટ કંપનીઓ કે કાર્યક્રમોના આયોજન માટે સિમ કાર્ડ વેચવાની પરવાનગી રહેશે. એ માટે તમામ વ્યક્તિગત સિમ કાર્ડ ધારકોની KYC વિગત મેળવવાની રહેશે. એવા ગ્રાહકો એક આઈડી કાર્ડ પર વધુમાં વધુ 9 સિમ કાર્ડ ખરીદી શકશે.