માવઠાથી નોંધપાત્ર નુકસાનીની શક્યતા ઓછી: રાઘવજી પટેલ
કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલી નુકસાની અંગે રાજકોટમાં યોજાઇ પત્રકાર પરિષદ
ખરીફ પાકમાં મોટાભાગના વિસ્તારમાં કાપણી પૂર્ણ થઈ હોય તેમજ રવિ પાકમાં વાવેતર પ્રારંભિક તબક્કામાં હોવાથી નુકસાનીની નહિવત થવાનો કૃષિમંત્રીનો દાવો
રાજ્યમાં તા.26 અને 27 દરમિયાન પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના થયેલાના નુકસાનને લઈને રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે અને સરકારના ધારાધોરણ ખેડૂતોને નુકસાની માટે સહાય ચૂકવાશે.
કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે SDRFના ધોરણ પ્રમાણે પર હેક્ટરદીઠ સહાય ચૂકવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, માવઠાથી થયેલા નુકસાનના સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. ખેડૂતોને કઈ રીતે સહાય ચૂકવવામાં આવશે તેને લઈને ચર્ચા કરાશે.
કમોસમી વરસાદને લઈને કૃષિમંત્રી રઘવજી પટેલે પત્રકાર પરિષદમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, તા.26-27 દરમિયાન બે દિવસમાં 236 તાલુકામાં 1 મીમીથી લઈને 151 મઈમી જેટલો કમોસમી વરસાદ થયો હતો. જેમાં 112 તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ જ્યારે 34 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 6 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચાલુ વર્ષે 86 લાખ હેકટરમાં ખરીફ સિઝનમાં વાવેતર નોંધાયું હતું ત્યારે હાલની સ્થિતિમાં કપાસ, તુવેર, એરંડા જેવા પાકો સિવાય તમામ મુખ્ય પાકની કાપણી પૂર્ણ થઈ ગઈ છે. હાલની સ્થિતિમાં સમગ્ર રાજ્યમાં ખરીફ સિઝનમાં 25 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ, એરંડા અને તુવેર જેવા પાક ખેતરમાં ઉભા છે. દિવેળાનું 7 લાખ, તુવેરનું 2 લાખ જ્યારે 16 લાખ હેકટરમાં કપાસનું વાવેતર નોંધાયેલું છે. જેમાં ઉત્પાદનની દ્રષ્ટિએ મુખ્ય વીણીઓ પૂર્ણ થઈ ગઈ હોય વ્યાપક વિસ્તારમાં નોંધપાત્ર નુકસાનીની શક્યતા ઓછી છે.
આ ઉપરાંત રવિ સિઝનમાં રાજ્યના સમગ્ર 45 લાખ હેક્ટર પૈકી 16 લાખ હેકટરમાં વાવેતર નોંધાયેલ છે પ્રારંભિક તબક્કામાં અથવા ઉગવા અવસ્થામાં છે. તેમાં પણ નોંધપાત્ર નુકસાનીની શક્યતા નહિવત છે. એકંદરે કપાસ, તુવેર અને એરંડાના પાકને નુકસાન થયું છે, જો વરસાદ પડે અને ખેતરોમાં પાણી ભરાઈ રહે, લાંબા સમયસુધી વાદળછાયું વાતાવરણ રહે તો પાકમાં રોગ અને જીવાતથી અસરગ્રસ્ત થવાની શક્યતા છે. જે માટે સર્વેની કામગીરી તાત્કાલિક હાથ ધરાશે. એમણે વધુમાં કહ્યું હતું કે, 33 ટકા કરતા વધુ નુકસાન થયુ હશે ત્યાં SDRF મુજબ સહાય ચૂકવાશે. તાત્કાલિક ધોરણે સર્વે કરીને નુકસાનીનું વિશ્લેષણ કરાશે. આજથી જિલ્લાવાર નુકસાનીના સર્વેની કામગીરી શરૂ થશે. સર્વે બાદ સરકારના ધારધોરણો પ્રમાણે સહાય આપવામાં આવશે. 33 ટકા કરતા વધુ નુકસાન થયું હશે તો SDRF મુજબ સહાય ચુકવાશે. SDRFના ધોરણ મુજબ હેકટર દીઠ 6800 સહાય ચૂકવવામાં આવે છે. બે હેકટરની જ મર્યાદા છે.
ખેડૂતોને સૂચના અપાઈ હોવાથી નુકસાની ઓછી
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને કરવામાં આવેલી આગાહીના પગલે કૃષિવિભાગ દ્વારા ખેડૂતોને અગાઉથી જ સૂચના આપવામાં આવેલી હતી. જેના કારણે ખેડૂતો, માર્કેટિંગ યાર્ડ દ્વારા પાક બચાવવા માટે આગોતરું આયોજન કર્યું હોય નુકસાની પ્રમાણમાં ઓછી થઈ છે.