બસ પોર્ટ પાછળ માથાના દુ:ખાવા સમાન બનતી ટ્રાફિક સમસ્યા
આડેધડ પાર્કિંગ અને ખાનગી ટ્રાવેલ્સ અને રિક્ષાચાલકોની દાદાગીરીથી વેપારીઓ
અને લોકો ભારે ત્રસ્ત: તંત્ર અને શાસકો ન્યૂસન્સ પોઇન્ટ દૂર કરે તેવી માગણી

રાજકોટમાં સામાન્ય નાગરિક માટે માથાના દુ:ખાવારૂપ અને વર્ષોથી એક જ પ્રશ્ન કે જેનો ઉકેલ આવતો નથી તે એક માત્ર ટ્રાફિક સમસ્યા છે. ટ્રાફિકજામ એ તંત્ર, શાસકો અને પોલીસની નિષ્ક્રિયતાના કારણે માથાના દુ:ખાવારૂપ બનતી જાય છે. ટ્રાફિક સમસ્યાને લઈને `વોઈસ ઓફ ડે’ દ્વારા શરૂ કરેલી એક નવી પહેલમાં રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારો કે જ્યાં દરરોજ ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે અને જેનો ભોગ લોકો, વેપારીઓ અને આમ જનતા બની રહી છે. તેને તંત્ર સમક્ષ મુકવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં આજે રાજકોટ શહેરના એસટી બસ સ્ટેન્ડ પાછળ વર્ષોથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યાને લઈને રિયાલિટી ચેક કરવામાં આવી હતી ત્યારે આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાથી પીડાતા લોકોએ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.પોલીસની ગેરહાજરી એ બસ સ્ટેન્ડ પાછળની ટ્રાફિક સમસ્યા ઉભી કરવા માટેનું સૌથી મોટું કારણ હોવાનું આ વિસ્તારના વેપારીઓએ જણાવ્યું હતું. નવું બસ સ્ટેન્ડ બન્યા બાદ મુસાફરોની અવરજવર વધતા ખાનગી ટ્રાવેલ્સ અને રિક્ષાચાલકોની પણ સંખ્યા વધી છે અને રસ્તા વચ્ચે આડેધડ પાર્કિંગ કરીને રસ્તા સાંકડા બનાવી દીધા છે જેના કારણે બસ સ્ટેન્ડ વિસ્તારના વેપારીઓ ટ્રાફિક સમસ્યાનો ભોગ બની રહ્યા છે.

૮૦ લાખ રૂા.ની દુકાન લીધા બાદ પણ ટ્રાવેલ્સ અને રિક્ષાવાળાની દાદાગીરી સહન કરવી પડે છે: દેવ રાઘવાણી
વડાલિયા ફૂડ સ્ટોર ધરાવતા દેવ રાઘવાણીએ જણાવ્યું કે, ૮૦ લાખ રૂપિયાની દુકાન લઈને ધંધો કરવા બેઠા પરંતુ બસ સ્ટેન્ડની પાછળ ખાનગી ટ્રાવેલ્સવાળાઓ-રિક્ષાચાલકોની દાદાગીરીને લીધે ધંધો કરી શકતા નથી. રોજ પાર્કિંગ બાબતે માથાકૂટ થાય છે. અમે વેપારી છીએ, દરરોજ ઝઘડો કરવો ન પોસાય. ખરીદી કરવા આવતા ગ્રાહકો પાર્કિંગ ન હોવાના કારણે દુકાનનું પગથિયું પણ ચડતા નથી અને મોટાભાગે ખાનગી ટ્રાવેલ્સવાળાઓ દુકાનના ઓટલા પાસે જ આડી બસો ઉભી રાખી દે છે અને સાંજ પડ્યે આ વિસ્તાર ન્યૂસન્સ પોઈન્ટ બની જતો હોય જેના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે.
આ વિસ્તારમાં આડેધડ વાહનોના થપ્પા અટકાવવા નો-પાર્કિંગનું બોર્ડ લગાવવું જરૂરી…: પ્રશાંત સૂર્યવંશી
મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવતા પ્રશાંત સૂર્યવંશીએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આડેધડ ગેરકાયદે રીતે રિક્ષાચાલકો બેફામ બની મનમાની કરીને રિક્ષા પાર્ક કરે છે અને બસ સ્ટેન્ડથી બહાર નીકળતા મુસાફરોને ભાડા માટે લલચાવવા આડેધડ રિક્ષા ચલાવે છે. હું ૩૫ હજાર રૂપિયા દુકાનનું ભાડું ભરું છું છતાં મારે આ ટ્રાફિક સમસ્યાના કારણે ગ્રાહકો આવતા નથી. દુકાને આવનાર ગ્રાહક પાર્કિંગ ન હોવાથી પાછો ચાલ્યો જાય છે. દુકાન ધારકોએ પોતાની દુકાનની બહાર પોતાનું વાહન કાઢવું પણ સાત કોઠા વિંધવા જેવી બાબત બની જાય છે.