રાજકોટ યાર્ડમાં આજથી ત્રણ દિવસ મરચા-મગફળીની આવક બંધ
માવઠાની અગાહીના પગલે યાર્ડ દ્વારા પગલાં લેવાયા: ખેડૂતોને જણસી સાથે તાડપત્રી સાથે રાખવા તેમજ દલાલ-વેપારીઓને પણ જણસી તાલપત્રીથી ઢાંકી રાખવા અપીલ
હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી હોય રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા માવઠાને લઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.25 થી 27 દરમિયાન ત્રણ દિવસ માટે મરચાં અને મગફળીની આવક બંધ કરવામાં આવી છે. જ્યારે ખેડૂતોને તાડપત્રી સાથે રાખવા પણ અપીલ કરવામાં આવી છે.
રાજ્યમાં ભર શિયાળે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં વિવિધ યાર્ડ દ્વારા પણ તકેદારીના ભાગરૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે.
ત્યારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં જણસીને નુકસાન ન થાય અને ખેડૂતોને તકલીફ ન પડે તે માટે યાર્ડમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જે અંગે યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ કમોસમી વરસાદને લઈને યાર્ડ દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે કહ્યું હતું કે, ત્રણ દિવસ વરસાદની આગાહી હોય આ દરમિયાન મરચા અને મગફળીની આવક બંધ કરવામાં આવી છે. જરૂર પડે તેમ ખેડૂતોને બોલાવવામાં આવશે. જો કે હાલ યાર્ડમાં હરરાજી ચાલુ છે. ઉપરાંત મરચા-મગફળી સિવાય અન્ય જણસીની આવક પણ ચાલુ છે. જ્યારે યાર્ડમાં જણસી લઈને આવતા ખેડૂતોને પોતાની સાથે તાડપત્રી પણ સાથે રાખવા સૂચના આપવામાં આવી છે.
બીજી બાજુ મરચા- મગફળી ઉપરાંત જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની જે આવક થઈ છે તે શેડ ઉપર ઉતારવામાં આવી છે. જ્યારે હાલ સૂકી ડુંગળીની આવક બંધ બંધ રાખવામાં આવી છે. જેમ જરૂર પડે તેમ ખેડૂતોને બોલાવામાં આવશે.
