ઇઝરાયેલ હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામનો પ્રારંભ
હમાસે પ્રથમ દિવસે 13 બંધકને છોડ્યા
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ના ચાર દિવસીય યુદ્ધવિરામ નો શુક્રવારે સવારે સાત વાગ્યાથી અમલ શરૂ થઈ ગયો હતો. હમાસે પ્રથમ દિવસે મહિલાઓ અને બાળકો સહિત 13 બંધકોને મુક્ત કર્યા હતા. બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી અનુસાર હમાસ 50 બંધકોને અને ઇઝરાયેલ 150 પેલેસ્ટેનિયન નાગરિકોને મુક્ત કરવા માટે સંમત થયા છે.
સાતમી ઓક્ટોબરે હમાસે ઇઝરાયેલ ઉપર હુમલો કર્યા બાદ પચાસમા દિવસે પ્રથમ વખત શુક્રવાર સવારથી ગાઝા ઉપર હુમલા બંધ થયા હતા. છેલ્લા 50 દિવસ દરમિયાન ઇઝરાયલે કરેલા હવાઈ અને જમીની હુમલામાં ગાઝા ખંડેર બની ગયું છે. ગાઝાના 70 ટકા કરતાં વધારે મકાનો તૂટી ગયા છે. ઇઝરાયલે હોસ્પિટલો ઉપર પણ હુમલા કરતા ગાઝાનું આરોગ્ય માળખું ભાંગી ગયું હતું.
આ હુમલાઓમાં બાળકો, મહિલાઓ અને નિર્દોષ નાગરિકોની જાનહાનિ ને કારણે ઇઝરાયેલ ઉપર યુદ્ધવિરામ કરવાનું આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યા બાદ કતારની મધ્યસ્થીથી ચાર દિવસના યુદ્ધ વિરામની સમજૂતી થઈ હતી. તે અંતર્ગત શુક્રવારે હમાસે તેર બંધકોને મુક્ત કર્યા હતા. આ યુદ્ધવિરામ ને પગલે શાંતિ પ્રક્રિયા આગળ વધવાની આશા જન્મી છે. હમાસ દ્વારા નિર્ધારિત 50 બંધકો ઉપરાંત દરેક વધારાના 10 બંધકની મુક્તિ દીઠ એક એક દિવસ યુદ્ધ વિરામ લંબાવવાની સમજૂતી પણ થઈ છે.
થાઈલેન્ડના 21 બંધકોની વિના શરતે મુક્તિ
ઈરાનની મધ્યસ્થીને કારણે હમાસે થાઈલેન્ડના 23 બંધકોને વિના શરતે મુક્ત કરવાની ઘોષણા કરી હતી. ઉલ્લેખનીય છે કે હમાસે કરેલા હુમલામાં વિદેશી નાગરિકોમાં સૌથી વધારે થાઈલેન્ડના નાગરિકોના મૃત્યુ થયા હતા. ચાર દિવસના યુદ્ધ વિરામ દરમિયાન ત્રણ અમેરિકન નાગરિકોને પણ બંધન મુક્ત કરવામાં આવશે તેવું જાણવા મળે છે
યુદ્ધવિરામની આગલી રાત્રે પણ હુમલા જારી
યુદ્ધવિરામ ની આગલી રાત્રે એટલે કે ગુરુવારે પણ ઇઝરાયલે ગાઝા ઉપર ભયંકર બોમ્બ મારો કર્યો હતો. એ હુમલામાં યુનાઇટેડ નેશનલ સ્કૂલ ઉપર થયેલા કારણે 27 લોકોના મૃત્યુ થયા હતા અને 93 લોકોને ઇજા પહોંચી હતી. હમાસ નૌકાદળના કમાન્ડર અંબર અબુ જલાલાહ ને પણ ગુરુવારે ઇઝરાયલે એર સ્ટ્રાઈક દ્વારા પતાવી દીધો હોવાનું લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું.