મુંબઈમાં મોટો કાંડ થવાનો છે : પોલીસમાં ફોન આવતા દોડધામ
અમદાવાદના જમાલપુરમાં રહેતી સમા નામની મહિલા અને કાશ્મિરનો આસિફ મોટી ઘટનાને અંજામ આપવામાં છે તેવી માહિતી આપી
મુંબઇ પોલીસને ફરી એકવાર ધમકીભર્યો ફોન આવ્યો છે તેથી મુંબઇ ફરી એકવાર આતંકવાદીઓના નિશાના પર હોવાનું કહેવાઇ રહ્યું છે. એક અજાણી વ્યક્તિએ ફોન પર મુંબઇમાં મોટો આતંકવાદી હુમલો થવાનો છે એવી જાણકારી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇ પોલીસને અવાર-નવાર આવા ધમકીભર્યા કોલ આવતા હોય છે. જેમાંથી મોટાભાગના કોલ તપાસ કરતાં ફેક કોલ નીકળે છે. જોકે આ અગાઉ જુલાઇ મહિનામાં પણ મુંબઇ પોલીસને 26\11નું પુનરાવર્તન થશે એવો ધમકીભર્યો કોલ આવ્યો હતો. અને હવે ફરી આવો કોલ આવતા પોલીસ પ્રશાસન દોડતું થયું છે.
દક્ષીણ મુંબઇના પોલીસ કંટ્રોલ રુમને ફરી એકવાર ધમકીભર્યો ફોન આવ્યો હતો. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એક વ્યક્તિએ ફોન પર જાણકારી આપી હતી કે, મુંબઇમાં મોટો કાંડ થવાનો છે. મહત્વની વાત તો એ છે કે જુલાઇ મહિનામાં પણ મુંબઇ પોલીસને આવો ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ વખતે 26\11ના હુમલાનું પુનરાવર્તન કરવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને સંબંધીત પોલીસ કર્મચારીઓને સુરક્ષા વ્યવસ્થા બાબતે સતર્ક રહેવાની સૂચના આપી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઇ પોલીસના કંટ્રોલ રુમને ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન પર એક વ્યક્તિએ મુંબઇમાં મોટી દુર્ઘટના થશે એવો દાવો કર્યો છે. કંટ્રોલ રુમમાં હાજર મહિલા પોલીસ અધિકારીએ આ વ્યક્તિ પાસેથી વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદના જમાલપુરમાં રહેતી સમા નામની મહિલા કાશ્મિરના આસિફ નામની વ્યક્તીના સંપર્કમાં હોઇ તેઓ મુંબઇમાં મોટો કાંડ કરવાના છે એવો કોલરનો દાવો છે. તેણે સમા અને આસિફના ફોન નંબર પણ પોલીસને આપ્યા છે. જેના આધારે મુંબઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
