આજથી રાજકોટ સહિત ૯ સ્ટેડિયમ પર ૩૮ ટીમો વચ્ચે જામશે ક્રિકેટ મુકાબલા
વિજય હઝારે વન-ડે ટ્રોફીમાં આઈપીએલના સ્ટાર ખેલાડીઓ રમશે: સૌરાષ્ટ્ર ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે: નોકઆઉટ-ફાઈનલ મુકાબલો રાજકોટમાં રમાશે
વન-ડે વર્લ્ડકપ-૨૦૨૩ પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આજથી ઑસ્ટે્લિયા સામે ટી-૨૦ શ્રેણી રમવા ઉતરશે તો બીજી બાજુ અનેક ભારતીય સ્ટાર ખેલાડીઓ ઘરેલું ક્રિકેટમાં ધમાલ મચાવતા જોવા મળશે. આજથી રાજકોટ સહિત દેશના ૯ અલગ-અલગ સ્ટેડિયમ પર વિજય હઝારે વન-ડે ટ્રોફી શરૂ થશે જેમાં સૌરાષ્ટ્ર સહિત ૩૮ ટીમો ભાગ લેશે. દેશની સૌથી જૂની ટૂર્નામેન્ટ પૈકીની એક એવી વિજય હઝારે ટ્રોફીનો ફાઈનલ મુકાલો ૧૬ ડિસેમ્બરે રાજકોટમાં જ રમાશે.
૩૮ ટીમોને પાંચ ગ્રુપમાં વહેંચવામાં આવી છે જેમાં આઈપીએલના સ્ટાર ખેલાડીઓ પણ ભાગ લેશે. આ ખેલાડીઓમાં વેંકટેશ અય્યર, મયંક અગ્રવાલ, અજિંક્ય રહાણે, કૃણાપલ પંડ્યા સહિતના સામેલ છે. ટૂર્નામેન્ટના મુકાબલા રાજકોટ ઉપરાંત અમદાવાદ, ચંદીગઢ સહિતના શહેરોના સ્ટેડિયમ પર રમાશે. ખાસ કરીને નોકઆઉટ અને ફાઈનલ મુકાબલો રાજકોટમાં રમાશે. આ ટૂર્નામેન્ટને યુવા ક્રિકેટરોને પોતાની પ્રતિભા બતાવવા માટેનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ તરીકે ગણવામાં આવી છે.
ગત ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ટીમ ચેમ્પિયન બની હતી એટલા માટે આ વર્ષે તે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે. આ ટૂર્નામેન્ટનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક તેમજ ઓનલાઈન પ્રસારણ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર થશે.