રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે વીજ ચેકિંગ
ભારતીનગર, મોચી નગર, જીવંતીકા પરા, રૈયા ગામ સહિતના વિસ્તારોમાં 26 ટીમ ત્રાટકી: ખોખડદળ, વાવડી, મવડી રોડ, નાનામવા સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાંથી ઝડપાઇ રૂ.20.35 લાખની વીજચોરી
રાજકોટમાં સતત બીજા દિવસે પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધવરમાં આવી હતી. જેમ વીજ ચોરી પકડી પાડવા માટે સ્થાનિક પોલીસ, એક્સ આર્મીમેનના બંદોબસ્ત સાથે પીજીવીસીએલની જુદી-જુદી 26 ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે મંગળવારે હાથ ધરાયેલી ચેકિંગ કાર્યવાહીના અંતે રૂ.20.35 લાખની વીજચોરી પકડાઈ હતી.
રાજકોટમાં વીજચોરી ડામવા માટે પીજીવીસીએલ દ્વારા બુધવારે સતત ત્રીજા દિવસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રદ્યુમ્ન નગર, રૈયા રોડ અને માધાપર સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં જુદી-જુદી ટુકડીઓ ત્રાટકી હતી. તો બીજી તરફ પીજીવીસીએલની ટુકડીઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 8 સ્થાનિક પોલીસ, 10 એક્સ આર્મીમેન સહિતનો બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો.
બુધવારે હાથ ધરવામાં આવેલા ચેકિંગ ડ્રાઈવમાં પીજીવીસીએલની 26 ટુકડીઓ દ્વારા શહેરના ભારતીનગર, મોચી નગર, જીવંતીકા પરા, રૈયા ગામ, ખોડિયાર પરા, ઇન્દિરા નગર, રૈયાધાર સહિતના વિસ્તરોમાં ચેકિંગ હાથ ધરાતા વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જ્યારે મંગળવારે ખોખડદળ, વાવડી, મવડી રોડ તેમજ નાનામવા સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન 71 કનેક્શનોમાં ગેરરીતિ જણાતા રૂ.20.35 લાખના વીજબિલ ફટકારવામાં આવ્યા હતા.