સર્વેશ્વર ચોકની દૂર્ઘટનામાં શું કાર્યવાહી કરવી તે પોલીસ જાણે !!
એકનું મોત, ૩૦ ઘાયલ થયાની ગોઝારી ઘટનામાં જવાબદારીની ફેંકાફેંકી
જનરલ બોર્ડમાં કોંગ્રેસે પૂછેલા સવાલનો `ગોળગોળ’ જવાબ આપી હાથ ઉંચા કરતી દેતી મહાપાલિકા
ગણેશોત્સવ દરમિયાન ટ્રાફિકથી ધમધમતા રહેતા સર્વેશ્વર ચોકમાં આવેલા શિવમ કોમ્પલેક્સનો વોંકળા પરનો સ્લેબ ધસી પડવાને કારણે અનેક લોકો વોંકળામાં ખાબક્યા હતા જેના કારણે ૩૦ લોકો ઘાયલ તો એક વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને બબ્બે મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ઘટના પાછળ જવાબદાર કોણ તે નક્કી થઈ શક્યું નથી. દરમિયાન કોંગ્રેસ કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ જનરલ બોર્ડમાં પૂછેલા સવાલનો મહાપાલિકાએ લેખિત જવાબ આપીને કહ્યું છે કે આ ઘટના મામલે મહાપાલિકાએ પોલીસ ફરિયાદ કરવામાં આવે છે અને અત્યારે આ ઘટનાની પોલીસ તપાસ ચાલું છે. આવો જવાબ આપીને મહાપાલિકાએ આડકતરી રીતે કહી દીધું છે કે કાર્યવાહી શું કરવી તે તો હવે પોલીસ જાણે !!
આ ઉપરાંત ભાનુબેન સોરાણીએ એવો પ્રશ્ન પૂછયો હતો કે જે જગ્યાએ સ્લેબ તૂટ્યો છે તે જગ્યા કોની માલિકીની છે અને મનપાની માલિકીની જગ્યા હોય તો અત્યાર સુધી શા માટે તેના પર સીડી અને ઓટલાનું દબાણ હતું ? આ પ્રશ્નનો ટૂંકો જવાબ મનપાએ એવો આપ્યો છે કે જે જગ્યાએ સ્લેબ તૂટ્યો છે તે જગ્યાની માલિકી વોંકળા પૈકીની છે જેના પર સીડી તેમજ ઓટલાનું દબાણ નથી. ખાસ કરીને આ ઘટના પાછળ જવાબદાર કોણ તેનો જવાબ પણ સ્પષ્ટ રીતે મહાપાલિકાએ આપવાનું ટાળ્યું છે.
ત્રણ પ્રશ્નો, જવાબ એક જ, પોલીસ ફરિયાદ કરી છે, તપાસ હજુ ચાલું !
ભાનુબેન સોરાણીએ જનરલ બોર્ડમાં સર્વેશ્વર ચોકની દૂર્ઘટના મુદ્દે ૧૨ પ્રશ્નો પૂછયા હતા જે પૈકી ત્રણ પ્રશ્નોનો મહાપાલિકા દ્વારા એક જ જવાબ આપ્યો છે અને તે છે પોલીસ ફરિયાદ કરી છે, તપાસ હજુ ચાલું છે ! તપાસ રિપોર્ટ માંગતા મનપાએ પોલીસ ફરિયાદ કરી હોવાનો જવાબ આપ્યો છે. આ ઉપરાંત દૂર્ઘટના પાછળ જવાબદારી કોની અને અત્યાર સુધીમાં મહાપાલિકાએ જવાબદાર સામે પગલાં શું લીધા તે બન્ને પ્રશ્નોનો ત્રણ લીટીમાં જ જવાબ આપીને મામલાને સંકેલી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.