ગુંદાવાડીમાં શ્રીજી નીલકંઠ ફૂડમાં ધોવાના સોડાથી ફરસાણ તૈયાર થતું હતું !
૧૭૦ કિલો જથ્થાનો નાશ, ધ રોયલ બાઈટ રેસ્ટો'માંથી ત્રણ મહિના પહેલાં એક્સપાયર થયેલા સોસનો ઉપયોગ થતો'તો: તહેવારોમાં ૧૦ સ્થળેથી ફરસાણ-મિઠાઈના નમૂના લેતી મનપાની ફૂડ શાખા
દિવાળીના સપરમા તહેવારો ધુમધડાકા સાથે શરૂ થઈ ચૂક્યા છે. આ તહેવારમાં સૌથી વધુ ઉપયોગ ફરસાણનો થતો હોય તેનો ઉપાડ સૌથી વધુ રહે છે. આ તકનો લાભ લઈ નફાખોરો દ્વારા ગમે તેવી ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોય તેના ઉપર મનપાની ફૂડ શાખાએ તવાઈ ઉતારી છે. ગુંદાવાડીમાં શ્રીજી નિલકંઠ ફૂડ દ્વારા ધોવાના સોડાનો ઉપયોગ કરી બનાવવામાં આવેલા ૧૭૦ કિલો ફરસાણને જપ્ત કરી સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. ગુંદાવાડી મેઈન રોડ પર લાકડિયા પુલ પાસે આવેલા શ્રીજી નિલકંઠ ફૂડના માલિક દ્વારા ધોવાના સોડાથી ૯૦ કિલો ચંપાકલી ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા તૈયાર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ૮૦ કિલો વાસી બુંદી, ચેવડો પણ મળી આવતાં તેને ફેંકી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વેસ્ટ ગેટ શો-રૂમમાં આવેલા
ધ રોયલ બાઈટ રેસ્ટો’માં તપાસ કરતાં ત્યાં એક્સપાયરી ડેટ વીતાવ્યાને ત્રણ મહિના થઈ ગયેલો સોસ પકડાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે સંચાલક દ્વારા આ સોસનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો હતો ! અહીંથી સોસ ઉપરાંત સંભારો, સલાડ, ચટણી સહિતનો વાસી ૧૩ કિલોનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો હતો.
આવી જ રીતે ફૂડ વિભાગ દ્વારા પેડક રોડ તેમજ કોઠારિયા રોડથી સોરઠિયાવાડી સર્કલ સુધીના વિસ્તારોમાં ખાણીપીણીનું વેચાણ કરતાં ૪૦ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરાયું હતું જેમાં ૧૦ ધંધાર્થીઓ પાસે લાયસન્સ ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
દરમિયાન શાંતિનગર મેઈન રોડ (રૈયાધાર) પર આવેલા સુરેશ સ્વીટ માર્ટમાંથી માવાના પેંડા, ચાટપુરી, સૌરાષ્ટ્ર ફૂડ પ્રોડક્ટમાંથી હળદર પાઉડર, શ્વેતા બ્રાન્ડ કોથમરી મરચાં ખાખરા, યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં આવેલા કૈલાશ ફરસાણ એન્ડ સ્વીટસમાંથી ચણાનો મેસુબ, તીખા ગાંઠિયા, રાજશક્તિ ફરસાણમાંથી જલેબી, ચવાણું, પંચાયતનગર બસ સ્ટેન્ડ પાસે વ્રજ ડ્રાયફ્રુટ એન્ડ ચોકલેટમાંથી બદામ અને જલારામ શીંગ એન્ડ ફરસાણમાંથી મસાલા કાજુના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.