દેહરાદૂનમાં ધોળા દિવસે રૂ.20 કરોડના સોનાના ઘરેણાની લૂંટ
રિલાયન્સ જ્વેલસ સ્ટોરમા લૂંટારુઓએ ઘૂસીને બંધુકની અણીએ બધાના હાથ બાંધી દીધા
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં સશસ્ત્ર લૂંટારાઓની ટોળકીએ રિલાયન્સ જ્વેલરી સ્ટોરમાંથી રૂ.20 કરોડના સોનાના ઘરેણાંની ધોળા દિવસે લૂંટ ચલાવતા સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. શો-રૂમના કર્મચારીઓ અને કેટલાક ગ્રાહકોને બાનમાં લઈને લૂંટ કરીને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.
અપરાધીઓએ કર્મચારીઓ અને ગ્રાહકોને એવી ધમકી પણ આપી હતી કે, અડધો કલાક સુધી કોઈ બહાર નીકળતા નહિ. આ બધા લોકોને લૂંટારુઓએ સ્ટોરમાં બનેલા એક કિચનમાં પૂરી દીધા હતા. આશ્ચર્યની વાત એ છે કે પોલીસ હેડક્વાટરની બિલકુલ નજીક જ આ ઘટના બની હતી. પોલીસે ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે. નાકાબંધી કરી દેવામાં આવી હતી અને વાહનોનું ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.