ગિલ બેટિંગમાં સિરાજ બોલિંગમાં `સરતાજ’
ICCએ જાહેર કરેલા વન-ડે રેન્કિંગમાં ભારતીયોનો
ડંકો: ગિલે બાબરને પછાડ્યો, સિરાજે સ્થાન જાળવી
રાખ્યું: ઑલરાઉન્ડરમાં શાકિબ અલ હસન ટોચ પર
ભારતીય ટીમના હોનહાર યુવા ઓપનિંગ બેટર શુભમન ગીલે આઈસીસીના તાજા વન-ડે બેટર રેન્કીંગમાં નંબર-૧નું સ્થાન હાંસલ કર્યું છે. રોહિતના ઓપનિંગ જોડીદાર ગીલે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પછાડ્યો છે. વિશ્વકપ શરૂ થતાં પહેલાં બાબર આઝમ નંબર વન હતો જ્યારે ગીલ ડેંગ્યુને કારણે મોડેથી ટીમ સાથે જોડાયો હતો.
એક બાજુ ગીલે રન વરસાવ્યા તો બીજી બાજુ બાબર આઝમ માંડ માંડ રન બનાવી શક્યો હતો. એટલું જ નહીં બોલિંગમાં મોહમ્મદ સીરાજનું નંબર વનની ખુરશીએ હજુ યથાવત છે.ગીલે શ્રીલંકા વિરુદ્ધ ૯૨ રનની ઈનિંગ રમી હતી જ્યારે આફ્રિકા વિરુદ્ધ ૨૩ રન બનાવ્યા હતા. શ્રીલંકા વિરુદ્ધ રમેલી તેની ઈનિંગે તેને નંબર વન બનવામાં મદદ કરી છે. હવે તેની પાસે ૮૩૦ રેટિંગ પોઈન્ટ છે જ્યારે પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ તેનાથી ૬ પોઈન્ટ પાછળ છે. આ યાદીમાં ક્વિન્ટન ડિ કૉક ત્રીજા નંબરે છે. જો કે પહેલાં, બીજા અને ત્રીજા સ્થાનવાળા ખેલાડી વચ્ચે ઘણું અંતર છે.વિશ્વકપમાં રનોનો ઢગલો કરી રહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ ગીલની સાથે ટૉપ-૧૦ રેન્કીંગમાં સામેલ છે. વિરાટ કોહલી ચોથા તો રોહિત શર્મા છઠ્ઠા નંબરે છે. આ બન્ને જે અંદાજમાં બેટિંગ કરી રહ્યા છે તેને જોતા આગળ જતાં તેમનું રેન્કીંગ વધવાની શક્યતા છે.