નાસિકમાં આસિસ્ટન્ટ એન્જિનિયર આટલા કરોડની લાંચ લેતા પકડાયો
MIDCનાં એન્જિનિયરે એક કોન્ટ્રાક્ટર પાસેથી તેના બિલ ક્લિયર કરવા માટે ખોખું માગ્યું હતું
મહારાષ્ટ્રમાં ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો એક આસિસ્ટન્ટ એન્જિનિયર એક કરોડ રૂપિયાની લાંચ સ્વીકારતા પકડાઈ ગયો છે. આ એન્જિનિયરે એક કોન્ટ્રાક્ટર પાસેથી તેના બિલ ક્લિયર કરવા માટે આટલી મોટી રકમ માંગી હતી. એન્ટી કરપ્શન બ્યૂરોએ મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનના એન્જિનિયરને પકડી પાડ્યો છે. તેની સાથે એક ડેપ્યુટી એન્જિનિયર પણ સંડોવાયેલો છે જે હાલમાં ફરાર છે.
એન્ટી કરપ્શન બ્યૂરોના નાસિક યુનિટે અમિત ગાયકવાડ નામના એક આસિસ્ટન્ટ એન્જિનિયરની ધરપકડ કરી છે. અમિત અહમદનગર એમઆઈડીસી સાથે સંકળાયેલો હતો. તેને એક કરોડ રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથ પકડવામાં આવ્યો છે. એક સિવિલ વર્ક કોન્ટ્રાક્ટરના પેન્ડિંગ બિલ પાસ કરવા માટે તેણે કરોડ રૂપિયાની લાંચ માંગી હતી. કોઈ પણ રાજ્યના એસીબી દ્વારા પકડવામાં આવેલી આ સૌથી મોટી લાંચ-રુશ્વતની રકમ છે. સરકારી કર્મચારીઓ દ્વારા અમુક હજાર રૂપિયા અથવા લાખો રૂપિયાની લાંચ લેવાના કિસ્સા ઘણી વાર બને છે. પરંતુ એક કરોડની તગડી રકમ લાંચ તરીકે માંગવામાં આવી હોય અને તેમાં સરકારી અધિકારી પકડાઈ જાય તેવું ભાગ્યે જ બને છે.
અમિત ગાયકવાડ અને તેના ડેપ્યુટી એન્જિનિયર ગણેશ વાઘે કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ માંગી હતી. અમિત પકડાઈ ગયો છે જ્યારે ગણેશ ફરાર થઈ ગયો છે. ગણેશની સામે કેસ દાખલ થયો છે અને તેને પકડવાની પ્રક્રિયા ચાલુ છે.
આ કેસની વિગત પ્રમાણે એક કોન્ટ્રાક્ટરને પાણીની પાઈપલાઈન પાથરવાનું રૂ. 31.57 કરોડ રૂપિયાનું કામ આપવામાં આવ્યું હતું. આ પેમેન્ટનો મોટા ભાગનો હિસ્સો ચૂકવાઈ ગયો હતો. પરંતુ હજુ 2.66 કરોડ રૂપિયા રિલિઝ કરવાના બાકી હતા. આ રકમના બિલ મંજૂર કરવા માટે અમિત ગાયકવાડે એક કરોડ રૂપિયાની લાંચ માંગી હતી. કોન્ટ્રાક્ટર આ રકમ આપવા માટે તૈયાર ન હતો. તેથી તેણે આ વિશે એસીબીમાં જાણ કરી હતી. એસીબીએ આસિસ્ટન્ટ એન્જિનિયર અને તેને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું જેમાં અમિત એસીબીના હાથે પકડાઈ ગયો હતો જ્યારે તેના હાથ નીચે કામ કરતો તેનો સાથીદાર ફરાર થઈ ગયો હતો.