મરાઠા અનામત આંદોલન હિંસક, એનસીપીના ધારાસભ્યના ઘરને આગ ચાંપી
જો કે પરિવાર સુરક્ષિત, પથ્થરમારો, બિડ જિલ્લામાં આક્રમક દેખાવો, પોલીસ ગોઠવાઈ, નેતાઓને ગામમાં પ્રવેશની મનાઈ
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દો હવે હિંસક બની રહ્યો છે તેની લપેટમાં હવે ધારાસભ્ય પણ આવી ગયા હતા. મરાઠા અનામતના આંદોલનકારીઓએ બીડ જિલ્લામાં સ્થિત એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના નિવાસને આગ ચાંપી દીધી હતી. કેટલાક વાહનો પણ સળગાવી દેવાયા હતા.
અનેક ગામોમાં એલાન કરાયું હતું કે કોઈ નેતાને પ્રવેશ કરવા દેવો નહીં. જો કે આગથી પરિવારને કોઈ નુકસાની થઈ નથી અને તે સુરક્ષિત છે. પોલીસે કહ્યું છે કે ઘરની બહારના ભાગમાં આગ ચાંપવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રી અજિત પવારના સમર્થક અને તેમના જૂથના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘરે દેખાવકારોએ પથ્થરમારો કરી દીધો હતો. તેના પછી તેમણે ઘરમાં ઘૂસીને તોડફોડ મચાવ્યા બાદ આગ ચાંપી દીધી હતી. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારબાદ એક સંસદ સભ્ય સાથે પણ દલીલબાજી અને બોલાચાલી થઈ હતી.
એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેએ કહ્યું કે જ્યારે મારા ઘરે દેખાવકારોની ભીડે હુમલો કર્યો. તે સમયે તે પોતાના ઘરમાં હાજર હતા. તેમણે કહ્યું કે આ ઘટના દરમિયાન મારા પરિવારનો કોઈ સભ્ય કે કર્મચારી ઘાયલ થયો નહોતો. અમે બધા સુરક્ષિત છીએ પણ આગચંપીને લીધે અમારી સંપત્તિને નુકસાન થયું છે.