આઈપીએલ 2024ની હરાજી 18 અને 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવાની સંભાવના
ટ્રેડિંગ વિન્ડો ખુલ્લી છે પરંતુ હજુ સુધી IPL ફ્રેન્ચાઇઝી વચ્ચે ખેલાડીઓની અદલાબદલીના કોઈ અહેવાલ નથી
ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન એટલે કે IPL 2024ની હરાજી દુબઈમાં થવાની સંભાવના છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 15 થી 19 ડિસેમ્બરની વચ્ચે તેનું આયોજન કરી શકે છે. વુમન્સ પ્રીમિયર લીગ માટેની હરાજી 9 ડિસેમ્બરે યોજાવાની ધારણા છે. જોકે મહિલા પ્રીમિયર લીગની હરાજી માટે હજુ સુધી કોઈ સ્થળની પસંદગી કરવામાં આવી નથી, પરંતુ તે ભારતમાં યોજાય તેવી શક્યતા છે.
IPL 2024ની હરાજી અંગે ફ્રેન્ચાઈઝીઓને કોઈ ઔપચારિક માહિતી મોકલવામાં આવી નથી પરંતુ ક્રિકબઝ અનુસાર તેનું આયોજન દુબઈમાં થઈ શકે છે. બીસીસીઆઈએ આ માટે 15 થી 19 ડિસેમ્બરનો સમય રાખ્યો છે પરંતુ સંભાવના છે કે તે 18 અને 19 ડિસેમ્બરે થઈ શકે છે. ગયા વર્ષે બીસીસીઆઈ IPL 2023ની હરાજી ઈસ્તાંબુલમાં યોજવા માંગતી હતી પરંતુ પછી તે કોચીમાં યોજાઈ હતી.
જોકે એવું પણ માનવામાં આવે છે કે ગયા વર્ષે કોચીમાં તેનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તેથી તેને દુબઈમાં આયોજિત કરવાની શક્યતા પણ ખતમ થઈ શકે છે. જોકે આઈપીએલની તમામ ફ્રેન્ચાઈઝીને કહેવામાં આવ્યું છે કે આ વખતે હરાજી ગલ્ફ સિટીમાં થઈ શકે છે પરંતુ તે સ્થળ કયું હશે તે હજુ સ્પષ્ટ નથી.
IPL 2024 માટે ટ્રેડિંગ વિન્ડો હાલમાં ખુલ્લી છે પરંતુ હજુ સુધી IPL ફ્રેન્ચાઇઝી વચ્ચે ખેલાડીઓની અદલાબદલીના કોઈ અહેવાલ નથી. આ વખતે ત્રણ વર્ષની વિન્ડોનું છેલ્લું વર્ષ છે તેથી કોઈ પ્રકારનું ટ્રેડિંગ થશે કે કેમ તે સ્પષ્ટ નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે ટીમો એવા ખેલાડીઓને મુક્ત કરી શકે છે જેઓ સારૂ પ્રદર્શન કરી રહ્યાં નથી અને તેમની સેલેરી વધારે છે.