વોંકળા પર `દબાણતોડ’ ઝુંબેશ: ૪ પાકા વંડા-બે રૂમ પર બૂલડોઝર ફેરવાયું
કૂવાડવા રોડ પર ડિમોલિશન કરતી મહાપાલિકા: ઢોર બાંધવા માટેના છાપરા તોડી પડાયા પણ ઢોર જપ્ત ન કરાયા ! ૨૨૦૦ ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ
સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થઈ ગયાની ઘટના બનતાં જ મહાપાલિકા દોડતી થઈ ગઈ છે અને શહેરના દરેક વોંકળા પર ખડકાઈ ગયેલા દબાણો તોડી પાડવા માટે બૂલડોઝર તૈયાર કરી લીધું છે. આ ઝુંબેશ અંતર્ગત વૉર્ડ નં.૪માં કૂવાડવા રોડ પર વોંકળા પર ખડકાઈ ગયેલા ૪ પાકા વંડા, બે રૂમ સહિતના દબાણને તોડી પાડી ૨૨૦૦ ચોરસમીટર જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.
મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાનો સ્ટાફ સવારના પહોરમાં જ કૂવાડવા રોડ પર રણછોડદાસ બાપુ આશ્રમને લાગુ વોંકળા પાસે પહોંચ્યો હતો જ્યાં ચાર પાક્કા વંડા, પશુ બાંધવા માટેના ૩ છાપરા તેમજ બે રૂમ ચણી લેવામાં આવ્યા હોય તાત્કાલિક તેના ઉપર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જો કે જ્યારે મહાપાલિકાને ડિમોલિશન શરૂ કર્યું ત્યારે ત્યાં ઢોર બંધાયેલા હોવા છતાં તેને જપ્ત કરવાની જગ્યાએ છૂટા મુકી દેવામાં આવ્યા હતા કેમ કે ટાઉન પ્લાનિંગ શાખાના સ્ટાફ સાથે ઢોરપકડ પાર્ટીનો સ્ટાફ ઉપલબ્ધ ન હોવાથી આ કાર્યવાહી કરાઈ ન્હોતી ! એકંદરે હવે વોંકળા પરથી બાંધકામ દૂર કરતાં ઢોર સાચવવાની જગ્યા રહી ન હોવાથી હવે ઢોરમાલિક આ ઢોરને શહેરમાં રખડતાં મુકી દેશે તેવું પણ બની શકે તેમ હોવા છતાં ઢોર પકડવાની કાર્યવાહી ન થવાને કારણે લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.
ઢોરપકડ શાખાને સાથે રાખવી જરૂરી
સામાન્ય રીતે શહેરના અમુક વોંકળા ઉપર દબાણ કરીને ત્યાં ઢોર બાંધી દેવામાં આવતા હોવાને કારણે જ્યારે જ્યારે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ડિમોલિશન કરવામાં આવે ત્યારે ઢોરપકડ શાખાને સાથે રાખવી જરૂરી બની જાય છે જેથી ઢોર બાંધેલા હોય તો તેને ત્યાંથી જ જપ્ત કરી શકાય અન્યથા ઢોર છૂટા મુકવાની નોબત આવી શકે છે !