૯ ઑક્ટોબરે પડધરીના ખામટા ગામેથી સળગેલી હાલતમાં મળી આવેલો મૃતદેહ અમદાવાદની યુવતીનો હતો: હચમચાવી નાખે તેવા હત્યાના બનાવને રાજકોટની પાર્ક ઈન હોટેલના મેનેજરે આપ્યો હોવાનો ખુલાસો, ધરપકડ
પેટા: વેશ્યાવૃત્તિ દરમિયાન યુવતી સંપર્કમાં આવીથને લીવ-ઈન સંબંધ શરૂ થયો: હત્યાના બે દિવસ પહેલાં યુવતીએ ફડાકા માર્યા હોય જેનો ખાર રાખી મોતને ઘાટ ઉતારી નાખી
રાજકોટની ભાગોળે ખામટા ગામની સીમમાંથી ગત તા.૯ ઑક્ટોબરે સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી. આ મામલે રૂરલ પોલીસે સઘન તપાસ શરૂ કરી પંદર જ દિવસમાં બનાવનો ભેદ ઉકેલી નાખી હત્યાને અંજામ આપનાર હત્યારાની ધરપકડ કરી લીધી છે. હત્યાની પ્રારંભીક પૂછપરછમાં તેણે એવી કબૂલાત આપી છે કે તેણે પ્રેમીકાની હત્યા કરી લાશને ત્રણ દિવસ સુધી ટ્રોલી બેગમાં છુપાવી રાખી હતી અને પછી યુ-ટયુબમાં જોઈને તેને સળગાવી નાખી હતી ! એકંદરે મૃતક યુવતી અને રાજકોટની પાર્ક ઈન હોટેલમાં મેનેજર તરીકે નોકરી કરતો યુવક લીવ ઈનમાં રહેતા હોય બન્ને વચ્ચે માથાકૂટ થતાં વાત હત્યા સુધી પહોંચી હતી.
આ બનાવ અંગેની વિગતો આપતાં ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાએ જણાવ્યું હતું કે ખામટા ગામની સીમમાંથી મળી આવેલા મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવાતાં તે ૧૭થી ૩૦ વર્ષની વચ્ચેની વય ધરાવતી યુવતીનો હોવાનું ખુલ્યું હતું. આ પછી સ્થળ ઉપરથી માનવ ખોપડી, હાથ તેમજ ટ્રોલી બેગના અવશેષો તેમજ લાકડાના સળગેલા ટુકડા અને પેટ્રોલીમ પ્રવાહની હાજરી સાથે સાથે સ્થળ ઉપર ફોર-વ્હીલ કારના ટાયરના નિશાન સહિતના પૂરાવા મળી આવ્યા હતા જેના પરથી પોલીસે સીસીટીવી ફૂટેજ, મોબાઈલ નંબર સહિતની કાર્યવાહી કરી પંદર જ દિવસમાં સફળતા મેળવી હતી. આ બનાવમાં સીસીટીવી ફૂટેજ કારગત નિવડ્યા હોય તેવી રીતે બનાવના દિવસે એક હોન્ડા એકોર્ડ કાર નં.જીજે૩કેએસ-૩૭૬૭ શંકાસ્પદ રીતે ઘટનાસ્થળે પસાર થઈ રહી હોય તેની તપાસ કરતાં આ કાર મેહુલ બેચરભાઈ ચોટલીયાની હોવાનું ખુલતાં તેને સકંજામાં લીધો હતો.
આ પછી મેહૂલની પૂછપરછ કરવામાં આવતાં તેણે કબૂલાત આપી હતી કે તે વર્ષોથી રાજકોટના સદર બજાર વિસ્તારમાં આવેલી પાર્ક ઈન હોટેલમાં મેનેજર તરીકે નોકરી કરે છે અને પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા છે. દરમિયાન દોઢથી બે વર્ષ પહેલાં તેનો સંપર્ક અલ્પાબેન ઉર્ફે આઈશા વિઠ્ઠલભાઈ મકવાણા (રહે.અમદાવાદ) સાથે થયો હતો. અલ્પા વેશ્યાવૃત્તિના વ્યવસાય સાથે સંકળાયેલી હોવાથી તે હોટેલ પર આવી હતી જ્યાં બન્ને મળ્યા હતા અને પછી પાક્કા મીત્ર બની જતાં અલ્પા મેહુલની પત્ની તરીકે રહેવા લાગી હતી. જો કે બન્ને વચ્ચે ૬ ઑક્ટોબરે પોતાના આત્મન એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટ પર ઝઘડો થતાં આઈશાએ મેહુલને બે ફડાકા માર્યા હતા જેથી ઉશ્કેરાઈ જઈને મેહુલે આઈશાને બેડ પર પછાડી દઈ તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી નાખી હતી.
હત્યાને અંજામ આપ્યા બાદ મેહુલે ત્રણ દિવસ લાશને પોતાના ફ્લેટમાં જ રાખી હતી મુકી અને ૮ ઑક્ટોબરે અલ્પાના મૃતદેહને ટ્રોલી બેગમાં ભરી પોતાની કારમાં ખામટા ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં લાશ ઉપર લાકડી મુકી પેટ્રોલ છાટીને તેને સળગાવી નાખી હતી. જો કે લાશ કેવી રીતે સળગાવવી તેનું જ્ઞાન તેણે યુ-ટયુબ પરથી મેળવ્યું હતું.
આ જઘન્ય બનાવનો ભેદ ઉકેલવા માટે ડીવાયએસપી કે.જી.ઝાલા, એલસીબી (રૂરલ) પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા સહિતની ટીમ ઉપરાંત પડધરી પોલીસ મથકના પીએસઆઈ જી.જે.ઝાલા, એસઓજી (રૂરલ)ના પીએસઆઈ બી.સી.મીયાત્રા સહિતની ટીમે પંદર દિવસ સુધી સતત દોડધામ કરીને સફળતા હાંસલ કરી હતી.
ત્રણ દિવસ સુધી લાશ ઘરમાં હોવા છતાં કોઈને ગંધ ન આવવા દીધી !
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેહુલ ચોટલીયાએ આયશાની હત્યા કર્યા બાદ ત્રણ દિવસ સુધી લાશને ઘરમાં જ રાખી મુકી હતી. જો કે આ બાબતે કોઈને પણ શંકા ન જાય તે માટે તેણે પોતાનું દૈનિક કાર્ય રાબેતા મુજબ રાખ્યું હતું સાથે સાથે મૃતદેહમાંથી દૂર્ગંધ ન આવે તેની પણ વ્યવસ્થા કરી નાખી હતી. ફિલ્મી સ્ટોરીને આંટે તેવી આ ઘટનાની વિગતો જાણી-સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
રાજકોટની હોટેલોમાં વેશ્યાવૃત્તિ ચાલતી હોવાનો પર્દાફાશ
રાજકોટની અલગ-અલગ હોટેલોમાં હજુ પણ વેશ્યાવૃત્તિ સહિતના અનૈતિક ધંધા ચાલતાં હોવાનું વધુ એકવાર પૂરવાર થયું છે. આ બનાવમાં પણ એવું જ થયું છે કેમ કે હત્યાને અંજામ આપનાર મેહુલ ચોટલીયા હોટેલનો મેનેજર હતો અને ત્યારે તેનો સંપર્ક અલ્પા ઉર્ફે આયશા સાથે વેશ્યાવૃત્તિના ધંધા દરમિયાન જ થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે અલ્પા વેશ્યાવૃત્તિ માટે રાજકોટની અલગ-અલગ હોટેલોમાં જતી હોવાથી તેની આંખ મેહુલ સાથે મળી ગઈ હતી અને પછી બન્ને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા.