મુંબઇમાં બહુમાળી ઇમારતમાં આગ લાગતાં 2 ના મોત
કાંદિવલીની ઘટના : ડઝનથી વધુ લોકો ઘવાયા, શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હતી
મુંબઇમાં કાંદિવલી વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઇમારતમાં ભયાનક આગ ફાટી નીકળી હતી જેમાં 2 લોકોના મોત થયા હતા અને ડઝનથી વધુ લોકો સળગીને અથવા બચવાના પ્રયાસમાં ઘાયલ થયા હતા. સૂચનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થયો હતો. સ્થાનિક પોલીસ અને બીએમસીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓએ એમ કહ્યું હતું કે શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હતી તેમ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. કલાકોની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. અન્ય એક અહેવાલ મુજબ ઘટનામાં 5 થી વધુ લોકો ઘાયલ થયા હતા પણ બીજા અહેવાલમાં ડઝનેક લોકો ઘવાયા હોવાનું જણાવાયું હતું.
કાંદિવલી પશ્ચિમમાં મહાવીર નગર વિસ્તારમાં 8 માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી . બિલ્ડિંગનું નામ પાવન ધામ વીણા સંતૂર ભવન હોવાનું સામે આવ્યું હતું ઉપરાંત બિલ્ડિંગના બીજા માળે આવેલી દુકાનોમાં આગ ફેલાઈ હતી અને ઘટના બાદ આખી બિલ્ડિંગમાં ખાલી કરાવી તેમજ રેસ્ક્યુ ઓપરેશન પુરજોશમાં હાથ ધરાયું હતું.