હમાસની કેદમાંથી લોકોને મુક્ત કરાવવા ઇઝરાયલને ફક્ત ભારતથી આશા
ઇઝરાયલના રાજદૂતનું મહત્વનું નિવેદન, અમને દરેક રીતે ભારતે ટેકો આપ્યો છે
ઈઝરાયેલ સતત ભારતની પ્રશંસા કરી રહ્યું છે અને પોતાના લડાયક વલણમાં પણ કોઈ ફેરફાર કરવા તૈયાર નથી. તેની અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં બંને બાજુએ મોટી જાનહાની થઈ છે ત્યારે ભારતે ઈઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને ભારતની મિત્રતાની પ્રશંસા કરતા કહ્યું હતું કે અમને ભારતના તમામ સ્તરેથી સમર્થન મળ્યું છે અને ભારત તરફથી કોઈપણ સહાયનું સ્વાગત કરીશું. હમાસના કેદમાંથી અમારા લોકોને મુક્ત કરાવવા માટે ઇઝરાયલને ફક્ત ભારત પર જ આશા છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતે ઈઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપતા બંને દેશોના સંબંધો ખૂબ જ સૌહાર્દપૂર્ણ બન્યા છે. આ સાથે જ ઈઝરાયેલને પણ ભારત પર પૂરો ભરોસો છે. ઈઝરાયેલના રાજદૂતને જ્યારે હોસ્પિટલ વિસ્ફોટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે હમાસ નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે.
વધુમાં એમણે કહ્યું હતું કે હમાસને અમારા આક્રમણ પહેલા ગાઝા પટ્ટીના દક્ષિણ ભાગને ખાલી કરવા માટે સમય અને ચેતવણી પણ આપવામાં આવી હતી. તેઓ અમને રોકવા માટે આંતરરાષ્ટ્રીય દબાણબનાવી શકે પણ અમે રોકાવાના નથી તેમ તેમણે કહ્યું હતું.