છ વર્ષના મુસ્લિમ બાળકની છરીના 26 ઘા ઝીંકી હત્યા
નફરત ની આગ અમેરિકા પહોંચી
71વર્ષના મકાન માલિકે કરેલા હુમલામાં બાળકની માતાની હાલત પણ ગંભીર
અમેરિકાના ઇલિયોન્સ સ્ટેટના પ્લેનફિલ્ડ શહેરમાં એક અત્યંત આઘાતજનક ઘટનામાં 71 વર્ષના જોસેફ ઝૂબા નામના વૃદ્ધ મકાન માલિકે તેના ઘરમાં ભાડૂત તરીકે રહેતા છ વર્ષના માસૂમ મુસ્લિમ બાળકની તીક્ષ્ણ હથિયારના 26 ઘા મારીને ક્રૂર હત્યા કરી હતી.હત્યારાએ બાળકની માતાને પણ બાર ઘા માર્યા હતા.તે મહિલાની તબિયત નાજુક ગણાવાઈ રહી છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે અમેરિકા સહિત પશ્ચિમના દેશોમાં હિંસા વધવાનો ભય સાચો ઠર્યો છે.હત્યારાએ આ પરિવાર મુસ્લિમ હોવાને કારણે હુમલો કર્યો હોવાનું પોલીસે જાહેર કર્યું હતું.વિલ
કાઉન્ટી ના શરીફે આ ઘટના ઇઝરાયલ અને હમાસના યુદ્ધની અસરને કારણે બની હોવાનું જણાવ્યું હતું.
મૃતક બાળક નું નામ વાહેદ હોવાનું અને થોડા દિવસ પહેલા જ તેના છઠ્ઠા જન્મદિવસની ઉજવણી થયાનું જાણવા મળે છે.
તમે મુસ્લિમ છો…
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી બાળકની માતા હનાન શાહીન ના જણાવ્યા અનુસાર હત્યારાએ ઘરમાં ઘૂસીને તેનું ગળું દબાવવાની કોશિશ કરી હતી.હત્યારાએ,’ તમે મુસ્લિમ છો,તમારે મરી જવું જોઈએ ‘ એમ કહીને મીલીટરી ટાઇપ ચાકુ વડે ઘા ઝિંકવાનું શરૂ કર્યું હતું.બાદમાં ઘાયલ મહિલાએ જેમ તેમ પોલીસને ફોન કરતાં પોલીસ દોડી ગઇ હતી અને લોહીના ખાબોચિયાં માં ઢળી પડેલા માતા પુત્રને હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.બાળક ના પેટમાંથી હત્યારાના ચાકુની બ્લેડ મળી આવી હતી.પોલીસે ઘટના સ્થળ નજીકથી જ આરોપીની ધરપકડ કરી હતી.
હત્યારો બાળકને પ્રેમ કરતો હતો. પણ નફરતની આગ દઝાડી ગઈ
મૂળ પેલેસ્ટાઈનનો આ પરિવાર બે વર્ષથી ભાડે રહેતો હતો.બાળકના પિતાના જણાવ્યા મુજબ આ વૃદ્ધ તો આ બાળકને ખૂબ પ્રેમ કરતો હતો.તેના માટે એ રમકડાં લઈ આવતા હતા તેના માટે એક વૃક્ષ પણ વાવ્યું હતું અને બાળકને સ્વિમિંગ પુલમાં ધુબાકા મારવાની પણ છૂટ આપી હતી. આવો પ્રેમાળ માણસ યુદ્ધને કારણે નફરતથી છલકાઈ ગયો અને આવું ભયંકર કૃત્ય કર્યું.
બાઈડને કહ્યું,અમેરિકામાં નફરતને કોઈ સ્થાન નથી.
છ વર્ષના બાળકની હત્યાના અમેરિકામાં ઘેરા પડઘા પડ્યા છે.પ્રેસિડેન્ટ બાઈડને આ ઘટના બદલ આઘાત વ્યક્ત કરતા કહ્યું કે અમેરિકામાં નફરત ને કોઈ સ્થાન નથી.વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ પણ બનાવ અંગે દુઃખ વ્યક્તિ કરીને કહ્યું કે બધા અમેરિકન નાગરિકોએ ઇસ્લામફોબિયા અને નફરત સામેની લડાઇમાં એક થવું પડશે.
એફ બી આઈ એ હિંસા વધવાનો ખતરો દર્શાવ્યો
હમસના આતંકી હુમલા અને બાદમાં ઇઝરાયલે ગાઝા સામે કરેલી કાર્યવાહી ને કારણે અમેરિકામાં વંશીય હુમલા વધવાની એફ બી આઈ એ ચેતવણી ઉચ્ચારી છે. ખાસ કરીને યહૂદી નાગરિકો તેમ જ યહૂદી ધર્મસ્થાનકો કટ્ટરવાદી તત્વો ના નિશાન બની શકે છે તેવી ચેતવણી આપવામાં આવી છે.