લંડન સહિત સમગ્ર બ્રિટનમાં પેલેસ્ટાઇન સમર્થકો મેદાનમાં
કજીયો પેલેસ્ટાઇનનો, કકળાટ પશ્ચિમના દેશોમાં
ભડકામણા સુત્રોચારો થયા: પોલીસ સાથે ઘર્ષણ: 15 ની ધરપકડ: નવ પોલીસમેનને ઈજા
રવિવારે લંડન સહિત સમગ્ર યુકેમાં ઇઝરાયેલના વિરોધમાં અને પેલેસ્ટાઇનના સમર્થનમાં હજારો લોકોએ દેખાવ કરતા ભારે તંગદીલી વ્યાપી ગઈ હતી.લંડનમાં માં દેખાવકારોએ ઉશ્કેરણીજનક સૂત્રોચારો કરી પોલીસ ઉપર પાણીની બોટલો ફેંકતા 15 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. એ ઘર્ષણમાં નવ પોલીસમેનને સામાન્ય બીજા થઈ હતી.
રવિવારે લંડન ઉપરાંત માન્ચેસ્ટર, લીવરપુર, એડિનબર્ગ, ગ્લાસગો સહિત યુકેના અનેક શહેરોમાં હજારો પેલેસ્ટેનિયન સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. દેખાવકારોએ ‘ફ્રી પેલેસ્ટાઈન ‘ ના નારા લગાવ્યા હતા.એ દરમિયાન ઇઝરાયેલ વિરોધી વંશીય ટિપ્પણીઓ થતા વાતાવરણ સ્ફોટક બન્યું હતું.
દેખાવકારોએ ‘ ઇંગ્લેન્ડ આતંકવાદી છે, યુએસએ આતંકવાદી છે, ઈટલી આતંકવાદી છે , ફ્રાન્સ આતંકવાદી છે અને ઇઝરાયેલ આતંકવાદી છે ‘ એવા સૂત્રો પોકાર્યા હતા. વક્તાઓએ હમાસ ઉપરના હુમલાને નરસંહાર ગણાવી ઇઝરાયેલને સમર્થન આપવા બદલ ઇંગ્લેન્ડ,અમેરિકા, અને પશ્ચિમના દેશો સામે ભડકામણા ભાષણો કર્યા હતા
રિશી સુનકની ચેતવણી
દેખાવકારોએ ‘રીશી સુનક શરમ કરો ‘ એવા નારા લગાવ્યા હતા. જોકે સુનકે પેલેસ્ટેનિયન સમર્થકોને મર્યાદામાં રહેવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે સમગ્ર બ્રિટન આજની સંકટની ઘડીમાં યહૂદી સમુદાયની પડખે ઉભો છે. તેમણે યુકેના રસ્તાઓ ઉપર તેમજ ઓનલાઈન યહૂદીઓ સામે થતા ઉશ્કેરણીજનક વર્તનને વખોડી અને ચેતવણી આપી હતી કે બ્રિટનમાં આ બધું નહીં ચલાવી લેવાય. તેમણે બ્રિટનના યહૂદી સમુદાયને રક્ષણ આપવાની પણ ખાતરી આપી હતી.
વ્હાઇટ હાઉસ સામે પણ જંગી દેખાવો
રવિવારે હજારો પેલેસ ટાઈમ સમર્થકો એ વ્હાઇટ હાઉસ સામે જંગી દેખાવ કર્યા હતા. એ દરમિયાન અમેરિકા વિરુદ્ધ પણ સૂત્રાચારો થયા હતા. ગત અઠવાડિયે પણ ન્યૂયોર્ક સહિત અમેરિકાના અનેક શહેરોમાં ઈઝરાયેલ વિરોધ દેખાવ પ્રદર્શન થયું હતું.એ દરમિયાન બંને પક્ષના સમર્થકો વચ્ચે અથડામણના બનાવ પણ બન્યા હતા. રવિવારે લોસ એન્જેલસ માં પણ પેલેસ્ટેનિયન સમર્થકોએ કલાકો સુધી દેખાવ કર્યા હતા.
યુરોપમાં અશાંતિ સર્જાવવાનો ખતરો
યુદ્ધ હવે માત્ર ઇઝરાયેલ અને હમાસ પૂરતું મર્યાદિત નથી રહ્યું. અમેરિકા, યુકે, અને યુરોપના દેશોમાં યહૂદીઓ ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સહ અસ્તિત્વ ધરાવે છે. આ સંજોગોમાં આ દેશોમાં ઘર આંગણે ઘર્ષણ થવાનો ભય સેવાઈ રહ્યો છે. ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં સરકારોએ પેલેસ્ટાઇનના સમર્થનમાં રેલી કાઢવાની કે દેખાવ કરવાની મનાઈ ફરમાવી હોવા છતાં હજારો પેલેસ્ટાઇન સમર્થકોએ દેખાવો કર્યા હતા. ફ્રાન્સમાં એક શિક્ષક ઉપર હુમલો થયો હતો. જર્મનીમાં પેલેસ ટાઈમ નાગરિકોના નિવાસ્થાન ઉપર યહૂદી ધાર્મિક પ્રતીક ‘ સ્ટાર ‘ લગાવવાની ઘટનાઓ બની હતી. સમગ્ર યુરોપ અને પશ્ચિમના દેશોમાં હમાસ અને એકંદરે મુસ્લિમો વિરુદ્ધ રોષની લાગણી છે.તો બીજી તરફ ગાઝા ઉપરના હુમલાને સમર્થન આપવા બદલ આ બધા દેશો સામે મુસ્લિમોમાં આક્રોશ છે. યુરોપના અનેક દેશોમાં આ અગાઉ પણ આતંકવાદી હુમલાઓ થયા છે અને હવે આ નવી પરિસ્થિતિમાં પશ્ચિમના દેશોમાં ઇસ્લામિક આતંકવાદ વકરવાનો ખતરો મંડરાઇ રહ્યો છે.