મેચ પહેલાં ભારતને ઝટકો: ગીલને ડેંગ્યુ, હાર્દિકને દડો આંગળી પર વાગ્યો
ગીલ કાલે ઓસ્ટ્રેલિયા સામે રમશે કે નહીં તેનો નિર્ણય આજે થશે, હાર્દિકે પ્રેક્ટિસ છોડી
ભારતીય ટીમ વર્લ્ડકપમાં પોતાનો પ્રથમ મુકાબલો આવતીકાલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કરશે. જો કે તેના પહેલાં જ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઓપનિંગ બેટર શુભમન ગીલને ડેંગ્યુ થઈ જતાં હવે તેના રમવા પર સસ્પેન્સ સર્જાઈ ગયું છે. આ ઉપરાંત ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પ્રેક્ટિસ દરમિયાન આંગળી પર દડો વાગી જતાં તેણે અધવચ્ચેથી પ્રેક્ટિસ છોડવી પડી હતી.
શુભમન ગીલની વાત કરવામાં આવે તો તે આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે રમી શકશે કે નહીં તેનો નિર્ણય આજે ટીમ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવશે. એકંદરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેના મેચ રમવાની શક્યતા ન બરાબર છે. આજે ગીલનો વધુ એક ટેસ્ટ કરાશે જે પછી તેની ઉપલબ્ધતા અંગે નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગીલ અત્યારે જોરદાર ફોર્મમાં છે અને તેણે ૨૦ મેચમાં ૭૨ની સરેરાશથી ૧૨૩૦ રન બનાવ્યા છે. તેના નામે પાંચ સદી અને એટલી જ ફિફટી છે એટલા માટે ઓસ્ટ્રેલિયા સામે તે કારગત નિવડી શકે તેમ છે.