નંદેડની સરકારી હોસ્પિટલના ડીન પાસે ટોઇલેટ સાફ કરાવવું ભારે પડ્યું
નેતાઓને ક્યારેક દેખાડો અને વધુ પડતું દોઢડહાપણ મુસીબતમાં મૂકે છે અને શિવ સેનાના એમપી હેમંત પાટિલ સાથે પણ આવું જ થયું છે. સરકારી હોસ્પિટલના ડીન પાસે ટોઇલેટ સાફ કરાવવું એમને ભારે પડી ગયું છે અને એમની સામે ફરિયાદ દાખલ થઈ છે.
મહારાષ્ટ્રના નંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 31 દર્દીના મોતની ઘટના બાદ સાંસદ પાટિલ હોસ્પિટલની મુલાકાતે ગયા હતા અને મૂળ કામગીરી કરવાને બદલે એમણે હોસ્પિટલના ડીનને ટોઇલેટ સાફ કરવાનો વિચિત્ર આદેશ કર્યો હતો.
ડીન પણ સાંસદના રૂઆબને પગલે ટોઇલેટ સાફ કરવા લાગ્યા હતા અને તેના વિડિયો વાયરલ થયા બાદ ભારે દેકારો બોલી ગયો હતો. સાંસદ્ના આ પરાક્રમની ચારેકોર આલોચના થઈ હતી.
ત્યારબાદ એમપી સામે ફરિયાદ દાખલ થઈ હતી અને પોલીસ એસી| એસટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. વિડિયોમાં એવું દેખાતું હતું કે એમપી ડીન શ્યામ વકોડેના હાથમાં ઝાડુ આપી રહ્યા છે અને ટોઇલેટ સાફ કરાવી રહ્યા છે.
એમપી પાટિલ મુખ્યમંત્રી શિંદેના જૂથના છે અને એમણે પત્રકારો સામે એવો બચાવ કર્યો હતો કે હોસ્પિટલની હાલત જોઈને મને ખૂબ જ દુખ થયું હતું. સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે પણ માવજત થતી નથી. ટોઇલેટ મહિનાઓ સુધી સાફ થતાં નથી. ત્યાં પાણી પણ નથી.
