એકબાજુ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ઉત્સાહપૂર્વક ચાલી રહ્યો છે. ચારેતરફથી માઇભક્તો અંબાજીમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે મેઘરાજા પણ અંબાજીમાં બઘાડાટી બોલાવી નાંખી છે.
અંબાજીમાં હજારો પદયાત્રીઓના આગમન વચ્ચે વરસાદે માઝા મૂકી હતી. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અચાનક જ તૂટી પડેલા ધોધમાર વરસાદ વચ્ચે પદયાત્રીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે ઘણાં પદયાત્રીઓએ ટેન્ટમાં સહારો લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, ભાદરવી પૂનમના પાંચમા દિવસે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ત્યારે ભક્તિના માહોલ વચ્ચે અંબાજીમાં વરસાદી માહોલ જામ્યો હતો.
અંબાજીમાં ભાદરવી પૂનમના 7 દિવસના મેળાને લઈ ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. અંબાજીને રોશનીથી શણગારવામાં આવ્યું છે. લાખો ભક્તો મા અંબાને નવરાત્રિનું આમંત્રણ આપવા ચાચરના ચોકમાં પહોંચી રહ્યા છે. અંબાજીમાં રોજ હજારોની સંખ્યામાં માઈભક્તો પગપાળા આવીને માં અંબાને નવરાત્રિમાં પોતાના ગામમાં પધારવાનું નિમંત્રણ આપે છે.