મનપાના કરોડોની કિંમતના પ્લોટ બન્યા ઝુંપડા માટે `સુરક્ષિત’ જગ્યા !
દર વખતે ડિમોલિશન કરી જગ્યા ખુલ્લી કરાવાયાના થોડા જ દિવસમાં ફરી ઝુંપડા બંધાઈ જાય છે: હવે નાનામવા ટીપી સ્કીમની ૭૩ કરોડની જગ્યા પર બંધાયેલા ૨૭ ઝુંપડા તોડી પડાયા
મહાપાલિકાની રાજકોટ શહેરમાં ઠેકઠેકાણે કરોડો રૂપિયાની કિંમતના કિંમતી પ્લોટ આવેલા છે. જો કે અહીં વિકાસકામ થાય ત્યારે સાચું પરંતુ તે પહેલાં ઝુંપડા બાંધીને રહેવા માટે આ જગ્યા એકદમ સુરક્ષિત હોય તેવી રીતે અનેક લોકો તેના પર આરામથી વસવાટ કરી રહ્યા હોય છે. મનપા દ્વારા દર વખતે ડિમોલિશન કરી જગ્યા ખુલ્લી કરાવ્યાના થોડા જ દિવસમાં ફરી અહીં ઝુંપડા બંધાઈ જતાં હોવાનો સિલસિલો પણ હજુ ચાલું જ છે. દરમિયાન ટાઉન પ્લાનિંગ શાખાએ હવે નાનામવા રોડ પર ડિમોલિશન કરીને ૭૩ કરોડના પ્લોટ ઉપર બંધાઈ ગયેલા ૨૭ ઝુંપડા તોડીને જમીન ખુલ્લી કરાવી છે.
ટીપી શાખા દ્વારા ટીપી સ્કીમ નં.૭, નાનામવા કે જે ધોળકીયા સ્કૂલ પાછળ રામ પાર્કની બાજુમાં આવેલી છે અને તે જમીનનું કુલ ક્ષેત્રફળ ૫૦૬૭.૪૪ જેટલું અને કિંમત ૩૦.૪૦ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે ત્યાં બંધાઈ ગયેલા ૨૦ ઝુંપડા તોડી પાડ્યા છે. આવી જ રીતે ધોળકીયા સ્કૂલવાળા રોડ પર એપલ અલ્ટુરાની બાજુમાં ટીપી સ્કીમ નં.૭-નાનામવાની ૬૧૪૩.૧૯ ચો.મી. જમીન કે જેની કિંમત ૪૯.૧૫ કરોડ રૂપિયા થાય છે તેના ઉપર બંધાયેલા ૭ ઝુંપડા તોડીને કુલ ૧૧૨૧૦.૪૩ ચોરસમીટર જમીન કે જેની કિંમત ૭૯.૫૫ કરોડ રૂપિયા થાય છે તેને ખુલ્લી કરાવી છે. જો કે ડિમોલિશન થઈ ગયા બાદ હવે એ જ ઝુંપડાધારકો ફરી ત્યાં પોતાનું ઝુંપડું બાંધીને રહેવા ન લાગે તે જોવું પણ જરૂરી બની રહેશે.